Only Gujarat

Gujarat

સહેલીની હત્યા બાદ કંઈ જ બન્યું ન હોય તેવું કરતી હતી વર્તન, ઉભી કરી હતી ખોટી સ્ટોરી

સુરતમાં થાઇલેન્ડની યુવતીની સનસનીખેજ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જોકે, આ બનાવમાં એક બાદ એક અનેક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. વનિડા બુસોર્ન નામની યુવતીની હત્યા તેની જ બહેનપણી અને તેના જ દેશની વતની એવી એડા સોમબાદ વોંગપ્રોમે કરી હોવાનું ખુલ્યું છે. વનિડાની હત્યા કર્યા બાદ એડા તેની પ્રાર્થના સભામાં પહોંચી હતી અને અગરબત્તી પકડી મગરમચ્છના આંસુ સારતી જોવા મળી હતી.

નવાઈની વાત તો એ છે કે વનિડાની હત્યા બાદ એડા જાણે કંઈ બન્યું જ ન હોય તેવી રીતે વર્તન કરી રહી હતી. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે એડા એ રાત્રે મીની ઉર્ફે વનિડાના રૂમ પર ત્રણ યુવકો આવ્યા હોવાની ખોટી સ્ટોરી પણ ઉભી કરી હતી. પોલીસનું માનીએ તો વનિડા અને એડાએ સાથે દારૂ પીધા બાદ હુક્કો પણ પીધો હતો. જેમાં એડાએ ગાંજો ભેળવી દીધો હતો. જેથી વનિડા નશામાં ચૂર થઈ ગઈ હતી. ત્યારબાદ તેની હત્યા કરી લાઈટરની મદદથી તેને સળગાવી દીધી હતી.

પોલીસે ગુનો ઉકેલવા માટે તમામ એકસપાર્ટની મદદ લીધી હતી. તે દરમિયાન ટેક્નિકલ અને સીસીટીવીની મદદથી કડી મળી હતી. જેમાં નજીકમાં રહેતી એડાની ગતિવિધિ શકમંદ જણાઈ આવી હતી. 11 સપ્ટેમ્બરે એડાએ રિક્ષા ચાલકને આપેલી પ્લાસ્ટિક બેગમાંથી બે મોબાઈલ અને હત્યામાં વપરાયેલા ધાબળો અને તકિયા મળી આવ્યા હતા. આ પુરાવા પોલીસને આરોપી સુધી લઈ ગયા હતા. એડાએ પોલીસને જણાવ્યું હતું કે, મારે આગ થોડી લાગે તેવું કરવું હતું. જેથી પેટ્રોલ નાખ્યું ન હતું.

એડાના વિઝા ટુંક સમયમાં જ પુરા થતા હતા. જેથી તેને રૂપિયાની જરૂર હતી. તેણે અનેક લોકો પાસેથી રૂપિયા લીધા હતા અને પોતાના ઘરે મોકલ્યા હતા. જોકે, તેની આર્થિક સમસ્યાનો અંત આવ્યો ન હતો. તેને જાણકારી મળી કે, વનિડા એકત્ર કરેલા રૂપિયા પોતાના ઘરે મોકલાની છે. લાખો કમાતી વનિડા એડાને આંખમાં કણાની જેમ ખુંચવા લાગી હતી. જેથી વનિડાની ઘરે ગઈ અને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સોનાની ચેઈન, રોકડ લઈ નીકળી ગઈ હતી અને હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મૃતક વનિડા સુરતના મગદલ્લા ગામની ભૈયા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાની રૂમમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી હતી. મૂળ થાઇલેન્ડની વનિડા બુસોર્નની ગત રવિવારે સવારે રૂમમાંથી સળગીને ભડથું થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. રૂમના ઉપરના ભાગે ધુમાડો દેખાતા રૂમ માલિક નગીનભાઇનો જમાઇ દોડી ગયો હતો. પરંતુ રૂમના મેઇન દરવાજા પર તાળું હોવાથી દરવાજો તોડતા યુવતીની સળગેલી હાલતમાં લાશ જોઇ ચોંકી ગયો હતો. જમાઇએ તુરંત જ પોલીસને જાણ કરતા પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો. વનિડાના મોત પ્રકરણમાં સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરાઇ હતી. આ ટીમને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

You cannot copy content of this page