છાણમાંથી બનાવે છે ઈંટ ને પ્લાસ્ટર, વર્ષે 50-60 લાખથી વધુની કરે છે કમાણી

તમારે એરકંડિશન્ડ ઘર બનાવવું હોય તો તમે હરિયાણાના ડૉક્ટર શિવદર્શન મલિકને મળી શકો છો. જેમણે દેસી ગાયના ગોબરથી એક એવું ‘વૈદિક પ્લાસ્ટર’તૈયાર કર્યું છે, જેના પ્રયોગથી ગામના કાચા ઘર જેવી શાંતિ મળશે. દિલ્હીના દ્વારિકા પાસે છાવલામાં રહેતા ડેરી સંચાલક દયા કિશન શોકીને દોઢ વર્ષ અગાઉ ગોબરમાંથી બનેલા પ્લાસ્ટર થકી પોતાનું ઘર બનાવ્યું હતું.

તેમણે પોતાના મકાન વિશે જણાવ્યું કે,‘આ પ્રકારના મકાનને કારણે ગરમીમાં અમારે એસી લગાવવાની જરૂર રહેતી નથી. જો બહારનું તાપમાન 40 ડિગ્રી હોય તો અંદર 28 થી 31 ડિગ્રી તાપમાન જ રહે છે. આ ગોબર પ્લાસ્ટર પાછળ 10 રૂપિયા પ્રતિ સ્કવેર ફૂટનો ખર્ચ આવે છે, જે સિમેન્ટ કરતા 6-7 ગણું સસ્તું રહે છે. આ મકાનના જેટલા ફાયદા ગણાવીએ તેટલા ઓછા છે. આવા ઘરમાં તમે પગરખા વગર ફરો તો ગરમીમાં પણ ઠંડક મળે છે. શરીર અનુસાર તાપમાન રહે છે. વિજળીની બચત પણ થાય છે, શહેરમાં ગામની જેવા કાચી માટીના જુના ઘર આ ગાયના પ્લાસ્ટરથી બનાવવા શક્ય છે.’

કિશન શોકીનની જેમ ભારતમાં 300થી વધુ લોકો દેસી ગાયના વૈદિક પ્લાસ્ટરથી ઘર બનાવડાવી રહ્યાં છે. જળવાયુ પરિવર્તનની અસર પણ આપણા ઘરો પર જોવા મળતી હોય છે. અગાઉ માટીના ઘરો શરદી-ગરમી તમામ સામે રક્ષણ આપતા હતા, જોકે હાલના સમયમાં આવા મકાન વ્યવહારું લાગતા નથી. જોકે કાચા મકાનોને અગાઉની જેમ જ ગરમી અને ઠંડી માટે અનુકૂળ બનાવવાનો પ્રયાસ કરતા ડૉક્ટર શિવદર્શન મલિકે વૈદિક પ્લાસ્ટરની શોધ કરી હતી. શિવદર્શન મલિકે રસાયણ વિજ્ઞાનથી પીએચડી કર્યા બાદ આઈઆઈટી દિલ્હી, વર્લ્ડ બેંક જેવી મોટી સંસ્થાઓમાં પણ સલાહકારની ભૂમિકા ભજવતા વર્ષો સુધી કામ કર્યું હતું. આ દરમિયાન ઘણા સ્થળોએ ફરતા સમયે તેમણે કાચા અને પાકા મકાનો વચ્ચેના અંતરનો અનુભવ કર્યું અને ત્યારે જ વૈદિક પ્લાસ્ટરની જરૂરિયાત હોવાનો વિચાર આવ્યો.

વર્ષ 2005થી વૈદિક પ્લાસ્ટર બનાવવાનો પ્રારંભ કરનાર શિવદર્શન મલિકે કહ્યું કે,‘આપણે કુદરત સાથે રહીને કુદરતને બચાવવું પડશે. જ્યારથી ઘરો પર ગોબરનો ઉપયોગ ઘટવાનું શરૂ થયું છે ત્યારથી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. દેસી ગાયના ગોબરમાં સૌથીવધુ પ્રોટીન હોય છે. જે ઘરની હવાને શુદ્ધ કરવાનું કામ કરે છે, તેથી વૈદિક પ્લાસ્ટરમાં દેસી ગાયના ગોબરનો ઉપયોગ કરાયો છે.’

શિવદર્શને આગળ કહ્યું કે,‘દેશમાં રોજ 30 લાખ ટન ગોબર નીકળે છે. જેનો યોગ્ય ઉપયોગ ના કરતા મોટાભાગનું ગોબર બરબાદ થાય છે. દેસી ગાયના ગોબરમાં જિપ્સમ, ગ્વારગમ, ચિકણી માટી, લીંબુ પાવડર સહિતની સામગ્રી મિક્સ કરીને વૈદિક પ્લાસ્ટર બનાવવામાં આવે છે. આ પ્લાસ્ટરથી બનેલા ઘરને આગ અને ગરમીથી બચાવે છે. તેના કારણે સસ્તા અને ઈકો ફ્રેન્ડલી મકાન બને છે, તેની માંગ ઓનલાઈન હોય છે. વૈદિક પ્લાસ્ટરના ઉપયોગથી હિમાચલથી લઈ કર્ણાટક સુધી, ગુજરાતથી લઈ પશ્ચિમ બંગાળ સુધીમાં 300થી વધુ મકાન બની ચૂક્યા છે.’

વૈદિક પ્લાસ્ટરનો ઉપયોગ કરવાને કારણે મકાનોમાંથી ભેજની સમસ્યા કાયમ માટે જતી રહેશે. આ પ્રદૂષણ મુક્ત રહે છે. અહીં ઈંટ, પથ્થર કોઈપણ રીતે દિવાર પર સીધા અંદર કે બહાર લગાવી શકાય છે. ઘરમાં હાનિકારમ કિંટાણુ-જીવાણું પણ રહેતા નથી. સારા સ્વાસ્થ્યની સાથે સકારાત્મક ઊર્જા પણ મળે છે. વૈદિક પ્લાસ્ટરનો ખર્ચ 20 થી 22 રૂપિયા પ્રતિ ફૂટ જેટલો આવે છે.

વૈદિક પ્લાસ્ટરને સારો રિસ્પોન્સ મળવા શિવદર્શને ગોબરથી અન્ય કઈ વસ્તુઓ બનાવી શકાય તે અંગે રિસર્ચ શરૂ રાખ્યું. 2019માં તેમણે ગોબરથી પેઈન્ટ અને ઈંટ બનાવવાનું શરૂ કર્યું, જેને સારો રિસ્પોન્સ મળવા લાગ્યો. જે પછી ખેડૂતો અને વેપારીઓ તેમની સાથે જોડાતા ગયા. હવે તેઓ વર્ષે 5 હજાર ટન વૈદિક પ્લાસ્ટરનું માર્કેટિંગ કરે છે. પેઈન્ટ અને ઈંટનું પણ સારું એવું વેચાણ થઈ જાય છે. શિવદર્શનને તમામ પ્રોડક્ટ્સથી વર્ષે 50-60 લાખનું ટર્નઓવર થઈ જાય છે.

શિવ મલિકે જણાવ્યું કે, અમે બીકાનેરમાં ટ્રેનિંગ સેન્ટર પણ શરૂ કર્યું છે. જેની માટે અમે 21 હજાર રૂપિયા ફી લઈએ ચીએ. અમે લોકોને ગોબરથી તૈયાર થતી પ્રોડક્ટ્સની ટ્રેનિંગ આપીએ છીએ અને સંપૂર્ણ પ્રોસેસ સમજાવીએ છીએ. આ સાથે ટ્રેનિંગ લેનારોના રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરવામા આવે છે. અત્યારસુધી 100 લોકોને ટ્રેનિંગ આપવામા આવી છે. આ લોકો ઝારખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, છત્તિસગઢ, યુપી સહિતના રાજ્યોમાં ગોબરમાંથી ઈંટ બનાવવાનું કામ કરે છે. આને કારણે નફો તો થાય જ છે પરંતુ સાથે ગામમાં ગાય પાળતા લોકોને પણ ગોબર વેચી સારી એવી કમાણી થઈ રહી છે.

શિવદર્શને કહ્યું કે,‘અમારો હેતુ માત્ર માર્કેટિંગ કે બિઝનેસનો નથી. અમારો હેતુ સમાજમાં ફેરફાર લાવવાની છે. ગામના લોકોને ગામમાં જ રોજગારથી જોડવાનો પણ પ્રયાસ છે.’ શિવદર્શનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હરિયાણા કૃષિ રત્નથી પણ સન્માનિત કરી ચૂક્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામે પણ શિવની પ્રશંસા કરી હતી. જ્યારે શિવદર્શન ગામો વિશે રિસર્ચ કરતા હતા ત્યારે તેઓ સ્વ. અબ્દુલ કલામને મળ્યા હતા. જે પછી તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં પણ ડૉક્ટર કલામને મળ્યા હતા. શિવદર્શન વિદેશોમાં પણ લેક્ચર આપવા જાય છે.