Only Gujarat

Bollywood

એક સમયે ભેળપુરી વેચતા ધીરુભાઈ અંબાણી અંગે આ ગુજરાતીએ કરી હતી ભવિષ્યવાણી

મુંબઈઃ અંબાણી પરિવાર માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં જાણીતો છે. અંબાણી પરિવારની ચર્ચા આખી દુનિયામાં થાય છે, જેનું શ્રેય ધીરુભાઈ અંબાણીને જાય છે. ધીરુભાઈએ જે નિષ્ઠા તથા મહેનતથી અબજોની સંપત્તિ ભેગી કરી છે, તે અનેક માટે પ્રેરણારૂપ છે. આજે અંબાણી પરિવાર અબજો રૂપિયામાં રમે છે. જોકે, એક સમય એવો પણ હતો કે જ્યારે અંબાણી પરિવાર એક એક રૂપિયા માટે મહેનત કરતો હતો. પોતાની મહેનતથી અંબાણી પરિવાર આજે માત્ર દેશ નહીં દુનિયામાં રાજ કરે છે.

આજે ભલે અંબાણી પરિવારનું નામ વિશ્વના ટોચના અમીરોના લિસ્ટમાં સામેલ હોય. એક સમયે ધીરુભાઈ અંબાણી મુંબઈના રસ્તા પર ભેળપુરી વેચતા હતા. તે સમયે ધીરુભાઈને જોઈને કોઈ એમ ના કહે કે આ વ્યક્તિ પાસે ભવિષ્યમાં અબજોની સંપત્તિ હશે. અલબત્ત, જ્યારે સમયનું ચક્ર ફરે છે ત્યારે રાજા રંક બને છે અને રંક રાજા બને છે. ભેળપુરી વેચતા સમયે એક ગુજરાતી એક્ટરના પિતાએ ધીરુભાઈ અંગે એક ભવિષ્યવાણી કરી હતી.

એક્ટરના પિતાએ કહ્યું હતું, ધીરુભાઈ બનશે કરોડપતિઃ ધીરુભાઈ જ્યારે ગરીબીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જેકી શ્રોફના પિતા કાકુલાલ શ્રોફે તેમના અંગે એક ભવિષ્યવાણી કરી હતી. તે સમયે કાકૂલાલ શ્રોફ જ્યોતિષનું કામ કરતા હતા. આ જ કારણે તેમણે ધીરુભાઈ અંગે ભવિષ્ય ભાખ્યું હતું. તેમણે કહ્યું હતું કે એક દિવસ તે કરોડપતિ બનીને રહેશે અને એમ જ થયું. 1977માં ધીરુભાઈએ રિલાયન્સનો પાયો નાખ્યો અને પછી તેમણે ક્યારેય પાછળ ફરીને જોયુ નથી. જ્યારે કાકૂલાલે ધીરુભાઈ અંબાણી અંગે કરેલી ભવિષ્યવાણીની વાત અન્ય લોકોને કરી તો તમામ તેમની પર હસતા હતા.

ધીરુભાઈ પણ હસવા લાગ્યા હતાઃ તે સમયે ધીરુભાઈ પોતાની પત્ની કોકિલાબેન સાથે કાકૂલાલને મળવા આવતા હતા. એક વાર આ જ રીતે વાતો વાતોમાં કાકૂલાલે ધીરુભાઈને જોઈને ભવિષ્યવાણી કરી હતી. આ વાત સાંભળીને ધીરુભાઈ જોર જોરથી હસવા લાગ્યા હતા. આ વાતનો ખુલાસો જેકી શ્રોફે પોતાના એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. આજે મુકેશ અંબાણી વિશ્વના અમીર લોકોમાં સામેલ છે. ધીરુભાઈનું નિધન 6 જુલાઈ, 2002માં થયું હતું.

જેકી શ્રોફે પોતાના ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના સંબંધો અંબાણી પરિવાર સાથે ખાસ છે. તે જ્યારે પણ મુકેશ તથા અનિલને જુએ છે તો તેને તેના પિતા કાકૂલાલની યાદ આવે છે. અંબાણી પરિવારના દરેક પ્રસંગમાં જેકી શ્રોફ પરિવાર સાથે હાજરી આપે છે.

You cannot copy content of this page