Only Gujarat

Gujarat

બે માસ સુધી કોરોનાને હળવાશથી નહીં લેવાનો સરકારે કર્યો આદેશ, સ્થિતિ વણસી શકે છે

ભારતમાં કાળમુખા કોરોનાના કેસ 70 લાખને આંબવાની તૈયારીમાં છે. જ્યારે કાતિલ કોરોના અત્યાર સુધીમાં એક લાખ લોકોને ભરખી ગયો છે. વાત કરીએ ગુજરાતની તો શુક્રવારે નવા 1243 નવા કેસ નોંધાયા છે. કોરોનાએ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કેહર મચાવ્યો છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં આવ્યો નથી તે ચિંતાનજક બાબત છે. જેને લઈ રાજ્ય સરકારે અમદાવાદ સહિત તમામ મહાનગરોના કલેક્ટરને સાવચેત રહેવા તાકીદ કરી છે. આગામી સમયમાં આવનાર નવરાત્રી અને દિવાળીના તહેવારોને જોતા બે મહિના સુધી કોરોનાની નવી લહેર આવી શકે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગને વધુ સચેત રહેવા સરકારે સૂચના આપી છે.

રાજ્યમાં કોરોનાના સૌથી વધુ કેસ સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગરમાં નોંધાઈ રહ્યા છે. જેમાં શુક્રવારે સુરતમાં 264, અમદાવાદમાં 180, રાજકોટમાં 132, વડોદરામાં 122 અને જામનગરમાં 92 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે. જેને લઈ સરકારનો પસીનો છૂટી રહ્યો છે.

સરકારને ખ્યાલ છે કે આગામી સમયમાં દિવાળી સહિતના તહેવાર આવી રહ્યા છે. લોકો બજારમાં ખરીદી માટે નીકળશે અને ભીડ જામશે. આ સ્થિતિમાં કોરોના વધુ પગ પસારે તેવી સંભાવના છે. તેથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતનાં મહાનગરોમાં આગામી બે માસ સુધી કોરોનાને હળવાશથી નહીં લેવાની સાથે સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા સરકારે આદેશ કર્યો છે.

ગાંધીનગર ખાતે કમિટી ઓફ હેલ્થ એડમિનિસ્ટ્રેશનની મળેલી બેઠકમાં એવો આદેશ અપાયો હતો કે, રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો મૃત્યુઆંક ભલે ઘટ્યો પણ આગામી નવેમ્બર-ડિસેમ્બર માસમાં કોરોનાની નવી લહેર આવી શકે છે. જેના પગલે કલેક્ટર તરફથી સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવામા આવશે. ગુજરાતમાં કોરોના વાયરસની ઘાતક મહામારીમાં રોજબરોજ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મૃત્યુ આંકમાં ખાસ્સો ઘટાડો થયો છે.

કોરોનાને કાબુમાં લેવા માટે કમિટી ઓફ હેલ્થ એડમિનિસ્ટ્રેશનની મળેલી બેઠકમાં રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેની સાથે રાજ્યના મહાનગરોમાં તહેવારોના બે માસ સુધી કોરોનાને હળવાશથી નહીં લેવા તાકીદ કરાઈ છે. આ બેઠકમાં એવો પણ નિર્દેશ અપાયો હતો કે, રાજ્યના મોટા શહેરોમાં કોરોના સામેની લડતમાં આગામી બે માસ મહત્વના હોવાથી લોકોને સતત સાવચેતી રાખવા અને કોવિડ-19ના નિયમોનું સખત રીતે પાલન થાય તે જોવામાં આવે.

You cannot copy content of this page