Only Gujarat

Gujarat TOP STORIES

ગુજરાતના આ મહિલા ડોક્ટર પોતાના જીવની ચિંતા કર્યાં વગર ગરીબો માટે બન્યા ‘કોરોના વોરિયર્સ’ પણ….

પ્રશાંત દયાળ, અમદાવાદ: માત્ર દેશની સરહદ ઉપર લડતો જવાન જ શહિદી વ્હોરે તેવું હોતું નથી. દેશના તમામ નાગરિક પોતાની જવાબદારી પ્રામાણિક પણે નિભાવતા મૃત્યુને ભેટે ત્યારે તેનો દરજ્જો પણ કોઈ શહીદ કરતાં ઓછો હોતો નથી.

વિસનગરનાં વાલમ ગામમાં જન્મેલાં અને પાલનપુરની જનરલ હોસ્પિટલમાં ડોક્ટર ગીતાબેન પટેલે કોરોનાની મહામારીમાં એક શહીદને છાજે એ રીતે મોતને બાથ ભીડી હતી. ગરીબોની સેવા કરતાં પાલનપુરની સરકારી હોસ્પિટલનાં ડોક્ટર ગીતાબેન પટેલ અનેક શારીરિક બીમારીઓથી પીડાતાં હતાં. ખુદ તેમના જ ફેફસાની સર્જરી થઈ હતી. કોરોનાની મહામારી તેમના માટે ઘાતક સાબિત થાય તેવી હતી. તેમની સારવાર કરનાર ડોકટરોએ તેમને હોસ્પિટલથી દૂર રહી આરામ કરવાની સલાહ આપી હતી. પણ ડોકટર ગીતા પટેલની ચિંતા હતી કે, આવી વિકટ પરિસ્થિતિમાં જો તે આરામ કરશે તો ગરીબ દર્દીઓની સારવાર કોણ કરશે?

ડોક્ટર ગીતા પટેલ પોતાની બીમારીઓને ભૂલી શારીરિક બીમારીઓની અવગણના કરી જે પ્રકારે કામ કરી રહ્યાં હતાં તેની નોંધ ખુદ બનાસકાંઠાના કલેક્ટર અને રાજ્ય સરકારે લીધી હતી. ગીતાબેન જો કે પોતાની કામગીરીના વખાણ થાય ત્યારે કહેતાં “મારો પરિવાર, મારા ડોક્ટર મિત્રો અને મારો સ્ટાફ મારી સાથે છે. ત્યારે હું કોઈપણ લડાઈ લડી લઈશ.”

ગીતાબેનની માનસિક મક્કમતા તેમને લડવાની તાકાત પૂરી પાડતી હતી. તેને કારણે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં આવનાર અનેક કોરોના સંક્રમિતોને તેમણે સાજા કર્યા હતા. પણ દસ દિવસ અગાઉ તેમની તબિયત લથડી અને તેમને સારવાર માટે ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં.

ગુજરાતના જાણીતા ફેફસાના ડોક્ટર અને ડોક્ટર ગીતા પટેલના મિત્ર ડોક્ટર તુષાર પટેલે કહ્યું કે, તેમની શારીરિક સ્થિતિ સારી નહોતી. પણ તેમને સતત પોતાના ગરીબ દર્દીઓની ચિંતા રહેતી. જેના કારણે તેઓ છેલ્લી ક્ષણ સુધી હોસ્પિટલમાં કામ કરતાં રહ્યાં. બુધવારની રાત્રે ડોકટર ગીતા પટેલે જીવનનો છેલ્લો શ્વાસ લીધો અને દેશના શહીદોની હરોળમાં જઈને તેઓ બેસી ગયાં.

You cannot copy content of this page