Only Gujarat

Gujarat

દેહવિક્રયના ગોરખધંધાનો થયો પર્દાફાશ, ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી શાહી સવલતો

અમદાવાદમાં પોલીસની રહેમ નજર હેઠળ દેહવિક્રયનો વેપલો ફૂલ્યો ફાલ્યો છે ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ઔડાના મકાનમાં ચાલતા હાઈ પ્રોફાઈલ કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. જેમાં 11 રૂપલલનાઓને પોલીસે મુક્ત કરાવી છે. આ કૂટણખાનું રાજુ યાદવ નામનો વ્યક્તિ છેલ્લાં કેટલાક સમયથી ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ કંટ્રોલરૂમને જાણ થઇ કે અહીં કેટલીક યુવતીઓને અહી ગોંધી રાખી દેહવેપાર કરાવવામાં આવે છે. તેથી પોલીસ દોડતી થઈ હતી અને તમામ યુવતીઓને છોડાવી હતી.

આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ઔડાના મકાન આવેલા છે, ત્યાં ત્રણ મકાનમાં યુવતીઓને રાખીને દેહવિક્રયનો ગોરખધંધો ચલાવવામાં આવતો હતો. આ કુટણખાનાનો મુખ્ય સૂત્રધાર રાજુ યાદવ મુંબઈ, મહારાષ્ટ્ર અને બંગાળથી યુવતીઓને બોલાવતો હતો અને તેમની પાસે અનૈતિક કામ કરાવતો હતો. ગ્રાહકોને શાહી સવલતો પૂરી પાડવા માટે માટે અહીં એસી, એલઈડી ટીવી સહિતની વસ્તુઓ હાજર હતી. પોલીસે બાતમીના આધારે આ ત્રણેય મકાનોમાં દરોડો પાડ્યો હતો.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ હતો. અંદર મકાનમાં યુવતીઓને રાખવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન 11 યુવતીઓ મળી આવી હતી. આ તમામને પોલીસે મુક્ત કરાવી હતી. આ ઉપરાંત રોકડા રૂપિયા 14,540, ત્રણ એલઈડી ટીવી, 5 એસી, 12 મોબાઈલ અને 1 રિક્ષા જપ્ત કરી છે. પોલીસે કાર્યવાહી દરમિયાન એક ગ્રાહકની પણ ધરપકડ કરી છે.

સ્થાનિકોનું માનીએ તો આ અંગે અગાઉ પણ અનેક વખત પોલીસને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. જો કે એક ઉચ્ચ અધિકારીને કરવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી અને અનૈતિક કામના આ અડ્ડાઓને બંધ કરાવ્યા છે.

બીજી તરફ મુખ્ય આરોપી રાજુ યાદવ હાલ ફરાર હોઈ તેની શોધખોળ શરૂ કરી છે. તપાસમાં ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે, આરોપી રાજુ યાદવે કરારના આધારે આ મકાનોમાં પોતાનો કબજો જમાવ્યો હતો.

આ મકાનોમાં જ તેણે અનૈતિક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. મહત્વનું છે કે અમદાવાદમાં કેટલીય જગ્યાએ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પાર્લરના આડમાં પણ આવા ગોરખધંધા ચાલતા હોય છે. પોલીસ સમયાંતરે આવી જગ્યાઓ પર દરોડા પાડતી હોય છે. પરંતુ બાદમાં તેના નાક નીચે જ થોડા સમય બાદ આવી પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ જતી હોય છે.

 

You cannot copy content of this page