એક હર્યાભર્યા પરિવારમાં એવું તો શું બન્યું કે કોમલે તેના જીજાજી સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો?

અમેરિકા-યુરોપની તુલનામાં ભારતના લોકો પાસે પૈસા ભલે ઓછા હોય પણ માનસિક શાંતિ વધુ છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ તેના ખમીર અને સંસ્કારના કારણે બીજા લોકોથી અલગ જ તરી આવે છે. મોટાભાગના ગુજરાતી પરિવારોમાં એકબીજાના સુખ અને દુ:ખમાં સાથ આપવાની ભાવના હજી પણ જોવા મળે છે. આવો જ એક સુંદર કિસ્સો આજથી અંદાજે સાડા ચાર વર્ષ પહેલા સામે આવ્યો હતો. જેમાં પરિણીત મોટી બહેનનું મોત થતાં નાની બહેને જીજાજી સાથે લગ્ન કરી તેના પુત્રની જવાબદારી ઉપાડી લીધી હતી.

રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ ગામમાં રહેતા ચંદુભાઇ સાવલિયાની પુત્રી કોમલે પોતાના જીજાજી સાથે લગ્ન કર્યા હતા. કારણ એટલું હતું કે કોમલની મોટી બહેનનું અકસ્માતમાં નિધન થયું હતું, જ્યારે તેના પુત્રનો એક હાથ કપાઈ ગયો હતો. સંકટના આ સમયે સૌથી નાની દીકરીએ તેના સંસ્કાર દેખાડી જીજાજી સાથે લગ્ન કર્યા હતા અને તેના પુત્રની જવાબાદી ઉપાડી લીધી હતી. આમ કોમલ નામની આ યુવતી માસી મટી મા બની હતી. આ લગ્નને અંદાજે સાડા ચાર વર્ષ થયા છે. આજે પણ તેનું લગ્નજીવન સફળ છે.

પહેલા પિતા અને બાદમાં બહેનનું મોત
નવાગઢ ગામમાં ચંદુભાઇ સાવલીયાને ચાર સંતાનો સંતાનો હતા. જેમાં મોટી દીકરી અવનીના લગ્ન જામનગર ભાવેશ નામના યુવાન સાથે કરવામાં આવ્યા હતા. જેકે હર્યાભર્યા સાવલિયા પરિવારની કુદરતે આકરી કસોટી લીધી હતી. પરિવારમાં પહેલા પિતાનું મોત થયું હતું. ભગવાન હજુ મોટી પરીક્ષા લેવા માંગતા હોય એમ બીજી એક દુર્ઘટના બની.

એક દિવસ મોટી પરણિતી દીકરી અવની તેના દીકરા સ્મિત અને મામા હિતેશભાઇ સાથે નવાગઢ મામાના ઘરે આવી રહ્યા હતા. નવાગઢ પાસે જ અકસ્માત થયો અને આ અકસ્માતમાં અવનીબેનનું અવસાન થયું હતું. સ્મિત મા વગરનો થઇ ગયો અને ભગવાનને હજુ કઠોર કસોટી કરતો હોય એમ સ્મિતનો જમણો હાથ પણ કપાઇ ગયો હતો.

બંને પરિવારો પર જાણે કે વજ્રઘાત થયો હતો. હવે શું કરવું એની કોઇને કંઇ ખબર પડતી નહોતી. સ્મિતને તેના પિતા ભાવેશભાઇ ખૂબ પ્રેમ કરતા હતા. પરંતુ હવે માતાનો પ્રેમ ક્યાંથી લાવવો એ સવાલ હતો. ભાવેશભાઇની ઉંમર જોતા તેના બીજા લગ્ન થાય તો કદાચ શક્ય છે કે નવી મા બાળકની યોગ્ય કાળજી ન લઇ શકે. એમાં પણ સ્મિતનો તો એક હાથ પણ નથી. આથી એને વધુ હૂંફ અને પ્રેમની જરૂર પડે. જો નવી મા સ્મિતને ન સમજી શકે તો એનું જીવન રોળાઇ જાય. કોઇને કંઇ સૂઝતું નહોતું કે શું કરવું જોઇએ ?

બે-બે પરિવાર પર આવી પડેલા સંકટ વચ્ચે ખૂબ જ લાડકોડમાં ઉછરેલી સૌથી નાની પુત્રી કોમલે તેના સંસ્કાર દેખાડ્યા હતા. તેણે પોતાની બહેનના નિધન બાદ તેના પુત્રના લાલનપાલન માટે માસી મટી મા બનવાનો ખૂબ જ સાહસિક નિર્ણય લીધો હતો. કોમલ જામનગર રહેતા તેના જીજાજી ભાવેશ સાથે સાદાઇથી લગ્ન કરી હાથ વગરના ભાણીયાને અપનાવ્યો હતો.

આ પ્રસંગે ગણતરીના સ્વજનો જ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગણતરીના સ્વજનો જ હાજર રહ્યા હતા. આમ નાની દીકરી કોમલે તેના જીજાજી સાથે લગ્ન કરી એક હાથ વગરના પુત્રને અપનાવી સમાજમાં પ્રેરણાદાયી પગલું ભર્યું હતું.

You cannot copy content of this page