ગાંધીનગરમાં લગ્નના ત્રણ મહિના બાદ પરિણીતાએ જીવનલીલા સંકેલી લીધી

ગાંધીનગરના રાંદેસણની પરિણીતાએ લગ્ન જીવનના ત્રણ મહિનામાં જ પંખે લટકીને જીવતર ટૂંકાવી લીધું હતું. આ મામલે ઈન્ફોસિટી પોલીસની પ્રાથમિક તપાસમાં ટૂંકા લગ્ન ગાળા દરમ્યાન પણ પતિ દરરોજ મોડી રાત સુધી ઘરે પરત નહીં આવવાનાં કારણે દંપતી વચ્ચે માથાકૂટ થતી હતી. એકાદ માસ પહેલા પણ ઝગડો થતાં પરિણીતાએ આપઘાત કરી લેવાની ચીમકી તેના પતિને આપી હતી. આ મામલાની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક કરી રહ્યા છે.


ઈન્ફોસિટી પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ દહેગામ વાસણા રાઠોડ ગામના રાજેન્દ્રસિંહ બીહોલાની બંને દીકરીના લગ્ન ગત તા. 4/2/2022 ના રોજ રાંદેસણ ગામના કરણસિંહ વાઘેલાના બંને દીકરા સાથે એક જ માંડવે કરવામાં આવ્યા હતા. બે બહેનો પૈકી મોટી દીકરી કામિનીબા ઉર્ફે કોમલના લગ્ન મયુરસિંહ જોડે અને નાની દીકરી જાનકીબાનાં લગ્ન મયુરસિંહના નાના ભાઈ હાર્દિકસિંહ સાથે થયા કરવામાં આવ્યા હતા.


લગ્ન બાદ બંને બહેનો સાસરીમાં આવીને રહેતી હતી. જેમાં કામિનીબાનો પતિ મયુરસિંહ કુડાસણ ખાતે બુલેટ મોડિફિકેશન નો વ્યવસાય કરે છે. નવા નવા લગ્ન થયા હોવા છતાં મયુરસિંહ રોજબરોજ મોડી મોડી રાત સુધી ઘરે પરત આવતો ન હતો. આ તરફ જિદ્દી સ્વભાવની કામિનીબાને પતિ રોજ મોડે આવે તે ગમતું ન હતું. જેનાં કારણે દંપતી વચ્ચે નાની મોટી બોલાચાલી થતી રહેતી હતી.


આ મુદ્દે આજથી એકાદ મહિના અગાઉ પણ દંપતી વચ્ચે માથાકૂટ થતાં કામિનીબા એ આપઘાત કરી લેવાની ચીમકી મયુરસિંહને આપી હતી. એ વખતે મયુરસિંહ બોલ્યો પણ હતો કે આવું કઈ કરતી નહીં હું ફસાઈ જઈશ. ત્યારે ગુરુવારે રાત્રે મયુરસિંહ ફરી પાછો મોડી રાત્રે ઘરે ગયો હતો અને જમી પરવારી ડ્રોઇંગ રૂમમાં લેપટોપ લઈને કામ કરવા લાગ્યો હતો. તો બીજી તરફ કામિનીબા રૂમમાં એકલી સૂઇ ગઈ હતી.


બીજી તરફ મયુરસિંહ રૂમમાં કૂલર ચાલુ હોવાથી સોફા ઉપર જ સૂઇ ગયો હતો. સવારે ચા નાસ્તો કર્યા પછી દેરાણી એટલે કે કામિનીબાની નાની બહેન રૂમમાં ગઈ હતી. જ્યાં મોટી બહેનને પંખાએ લટકેલી જોઈ ચીસ પાડી હતી અને પરિવારજનો દોડી આવ્યા હતા. આ અંગે ઈન્ફોસિટી પીઆઈ વી.જી. રાઠોડે જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં મયુર ઘરે મોડો આવતો હોવાથી દંપતી વચ્ચે ઝગડો થતો હતો અને કામિની ઉર્ફે કોમલ જિદ્દી સ્વભાવની હતી તેવું જાણવા મળ્યું છે. પતિના મોડા આવવાના કારણે લાગી આવતા તેણે આપઘાત કર્યો હોવાનું લાગી રહ્યું છે. જોકે, લગ્ન ગાળો ટૂંકો હોવાથી વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક કરી રહ્યા છે.

You cannot copy content of this page