નવરાત્રિ શુક્લા પરિવાર માટે બની કાળ, માતાનું નૈવૈદ્ય ધરાવવાની ઈચ્છા રહી અધૂરી

દુર્ગાઅષ્ટમીની પૂજા કરવા જતા પરિવાર પર કાળ ત્રાટક્યો હતો. એક જ પરિવારના ચાર-ચાર સભ્યોના કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માતને નજરે જોનાર સાક્ષીઓએ ઘટનાની ભયાનકતા કહી હતી. આયશર ટ્રક ને કારની વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો.

આ ઘટના મધ્યપ્રદેશથી ઉત્તર પ્રદેશ જતાં એક પરિવારની છે. અકસ્માત મધ્ય પ્રદેશના સાગરની છે. મૃતકો હરદામાં રહેતા હતા. આયશર ટ્રક ને કાર વચ્ચે થયેલી ટક્કરમાં પતિ-પત્ની અને બે દીકરીઓના મોત થયા હતા. આ અકસ્માત સાગર-રાહતગઢ પર આવેલા બેરખેડી પાસે સર્જાયો હતો. હરદાનો પરિવાર આઠમનું નૈવૈદ્ય કરવા જતા હતા. આ સમયે અકસ્માત થયો હતો. પોલીસે ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરી છે અને તે દારૂ પીધેલી અવસ્થામાં હતો.

શુક્લા પરિવાર રવિવાર, 2 ઓક્ટોબરે આઠમના નૈવૈદ્ય માટે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં આવેલા ખરેલી ગામ જતો હતો. સાક્ષીઓએ કહ્યું હતું કે બેરખેડી પાસે પૂરપાટે આવતી ટ્રકે કારને સાઇડથી ટક્કર મારી હતી. કારની અંદર બેઠેલા ચારેય લોકો બહુ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા. કારના દબાઈ ગયેલા હિસ્સાને પાવડાથી ઊંચો કરવામાં આવ્યો હતો અને પછી લાશો બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં 40 વર્ષીય મોહિત શુક્લા, પત્ની દક્ષા (35), દીકરી માન્યા (8) તથા લાવણ્યા (14)નું મોત નીપજ્યું હતું. મોહિતના 55 વર્ષીય કાકા ઘાયલ છે. તેમને નિકટની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે.

કાર 10 ફૂટ ઘસડાઈઃ નજરે જોનારે કહ્યું હતું કે અકસ્માત 11 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. ટ્રકે કારને સાઇડથી ટક્કર મારી હતી અને 10 ફૂટ સુધી ઘસડી હતી. કાર રસ્તેથી ઉતરીને મેદાનમાં જતી રહી હતી. કારની અંદર બેઠેલા લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને લોકો એ બાજુ ભાગ્યા હતા. પાવડાની મદદથી દબાયેલા ભાગને ઊંચો કરીને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા.

પત્ની ટીચર હતીઃ શુક્લા પરિવાર હરદામાં છીપાનેર રોડની નજીકમાં રહેતો હતો. મોહિત ઈન્દોરમાં પ્રાઇવેટ જોબ કરતો હતો. પત્ની દક્ષા શહેરની સેન્ટ મેરી સ્કૂલમાં ટીચર હતી. મોટી દીકરી લાવણ્યા નવમા ધોરણમાં તો નાની દીકરી માન્યા ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. પતિ-પત્નીની હરદામાં એક સ્કૂલ છે. પંકજ શુક્લા આદિમ જાતિ કલ્યાણ વિભાગમાં કામ કરે છે. દક્ષાના પિતાનો રેલવે સ્ટેશન પર બુક સ્ટોલ છે. પરિવારને જાણ થતાં જ આદિમ જાતિના કલ્યાણ વિભાગના કર્મચારીઓ હોસ્પિટલ આવ્યા હતા.

બે કાર હતીઃ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોહિતનો પરિવાર હરદામાં ઘણાં વર્ષોથી રહે છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના છે. હરદામાં અષ્ટમીની પૂજા કરવા માટે તેઓ જતા હતા. પરિવાર બે કારમાં બેસીને ઉત્તર પ્રદેશ જતા હતા. એક કાર આગળ હતી અને એક પાછળ હતી. દુર્ઘટના થઈ તે કાર પાછળની હતી.