રિક્ષા ચાલકની પત્નીએ પ્લાસ્ટિક બેગ ખોલીને જોઈ તો આંખો થઈ ગઈ પહોળી

સુરતમાં થાઈલેન્ડની યુવતીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. હમવતન એડાએ જ પૈસા માટે વનિડાની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ગત 6 તારીખે સુરતના મગદલ્લા વિસ્તારના એક ઘરમાં ભાડે રહેતી અને સ્પામાં કામ કરતી મૂળ થાઈલેન્ડની વનિડાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. જ્યાં તે મોતને ભેટી હતી તે રૂમનો દરવાજો બહારથી લૉક હોવાના કારણે પોલીસને પહેલેથી જ વનિડાના મોતને લઈ શંકા હતી. આખરે CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલંસના સહારે પોલીસે હત્યા કેસનો ભેદ ઉકેલી લીધો.

આરોપી એડા હત્યાની રાત્રે 3 વાગીને 50 મિનિટે રૂમમાંથી બહાર નીકળી અને પછી 4 વાગીને 40 મિનિટે પરત આવી હતી. જેને લઈ પોલીસને તેના પર શંકા ગઈ હતી. તપાસ દરમિયાન એડાના ઘરેથી મૃતક વનિડાના બે મોબાઈલ ફોન અને સોનાની ચેન મળી આવી. એટલું જ નહીં, રૂમ બહાર જે તાળું મરાયું હતું તેની ચાવી પણ તેના ઘરેથી મળી આવી. જેને લઈ પોલીસ સામે તે ભાંગી પડી અને કબૂલ્યું કે તેણે જ કરી હતી વનિડાની હત્યા. કારણ હતું, 26 તારીખે તેના વીઝા ખતમ થઈ રહ્યા હતા અને તેની પાસે પૈસા પણ ન હતા. (આરોપી એડાની તસવીર)

સામાન્ય રીતે સ્પામાં કામ કરતી આ થાઈલેન્ડની યુવતીઓ અમુક ચોક્કસ રિક્ષા ડ્રાઈવર સાથે જ પ્રવાસ કરતી હોય છે. તે પૈકી એક રિક્ષા ચાલક એડાનો ખાસ હતો. પોલીસ આ રિક્ષા ચાલક સુધી પહોંચી ગઈ. રિક્ષા ડ્રાઇવરે પોલીસને જણાવ્યું હતું કે, એડાએ તેને એક પ્લાસ્ટિક બેગ આપી હતી અને કહ્યું હતું કે, આ નકામો સામાન છે, જેને કોઈ કચરાપેટીમાં ફેંકી દેજો. (મૃતક વનિડાની તસવીર)

જોકે, રિક્ષા ચાલક તે પ્લાસ્ટિક બેગ ફેંકવાના બદલે ભૂલથી ઘરે લઈ ગયો હતો અને ઘરમાં જ પડી રહી હતી. દરમિયાન રિક્ષા ચાલકની પત્નીએ પ્લાસ્ટિક બેગ ખોલીને જોતા તેમાં ધાબળા અને એક તકિયો હતો. તકિયો વજનમાં ભારે લાગતા તેમાંથી બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસ તપાસ કરતા રિક્ષા ચાલક પાસેથી મળેલા બંને ફોન મૃતક વનિડાના જ હતા. આ ફોન મળી જતા પોલીસે એડાની કડકાઈથી પૂછપરછ કરી હતી. જેમાં એડા ભાંગી પડી હતી અને વનિડાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી.

આ હત્યાનું કારણ હતું રૂપિયાની તંગી. એડાના ટૂંક સમયમાં જ ભારતના વિઝા પુરા થઈ રહ્યા હતા. જેથી તેને પૈસાની જરૂર હતી. એડાએ કેટલાકક લોકો પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા અને પોતાના ઘરે મોકલ્યા હતા. જોકે, તેની આર્થિક સમસ્યાનો અંત આવ્યો ન હતો.


તેને માહિતી મળી કે, વનિડાએ સારા એવા પૈસા ભેગા કર્યા છે અને તે પોતાના ઘરે થાઈલેન્ડ મોકલાની છે. જેથી તે પ્લાન બનાવીને વનિડાની ઘરે ગઈ અને બેરહેમીથી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સોનાની ચેઈન, રોકડ અને મોબાઈલ લઈને નીકળી ગઈ હતી. તેણે હત્યાને આગ લાગવાના અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેની ચાલાકી ન ચાલી અને પોલીસ તેના સુધી પહોંચી અને કેસ ઉકેલાતા મોટી સફળતા મળી.