Only Gujarat

National TOP STORIES

આ છોકરીએ માત્ર એક રૂમમાંથી શરૂ કર્યો બિઝનેસ, આજે હજારોને આપે છે રોજગારી

તમે હંમેશાં એવું સાંભળ્યું હશે કે જો દિલમાં કંઈ આવ્યું અને તે કરવાનું મન હોય તો તમે દરેક મુકામ હાંસલ કરી શકો છો. કંઈક આવું જ કરી બતાવ્યું છે પહાડોની પુત્રી દિવ્યા રાવતે. તેના મગજમાં એક આઇડિયા આવ્યો તે નીકળી પડી પોતાની કામયાબીની સફર પર. પોતાની સાચી સમજ અને મહેનતના દમ પર જલદી જ તે સફળતાના શિખર સુધી પહોંચી ગઈ. આજે સમગ્ર દેશ તેને મશરૂમ ગર્લ તરીકે ઓળખે છે. તેની સફળતા બાદ દિવ્યાને રાષ્ટ્રપતિ નારી શક્તિ સન્માનથી પણ નવાજવામાં આવી છે. તો ચાલો જાણીએ તેની કામયાબીની કહાની.

મશરૂમ ગર્લ દિવ્યા મૂળ દહેરાદૂનની રહેવાસી છે અને તે સ્કૂલના અભ્યાસ બાદ કૉલેજમાં આગળ ભણવા માટે દિલ્હી આવી ગઈ. જ્યાં તેણે એમિટી યુનિર્સિટીમાંથી માસ્ટર ઑફ સોશિયલ વર્કનો અભ્યાસ કર્યો. જે બાદ તે શક્તિવાહિની નામના એનજીઓમાં નોકરી કરવા લાગી. ત્યાં તેનું મન ના લાગ્યું, જે બાદ ખાનગી કંપનીમાં 25 હજાર રૂપિયે મહિને નોકરી કરવા લાગી. આ રીતે દિવ્યાએ 7થી 8 નોકરીઓ બદલી નાખી. પછી વર્ષ 2013માં કંઈક અલગ કરવાના મનથી તે પોતના શહેર દહેરાદૂન આવી ગઈ.


જ્યારે દિવ્યા પોતના પ્રદેશ પરત ફરી તો જોયું કે આસપાસના યુવક યુવતીઓ મહિને માત્ર 7થી 8 હજાર રૂપિયાની નોકરી માટે સ્થળાંતર કરી રહ્યા હતા. આ દરમિયાન દિવ્યાએ અનેક ગામનો પ્રવાસ કર્યો અને અનેક મહિનાઓ સુધી પોતાના વિસ્તારમાં રહી. આ દરમિયાન તે વિચારતી રહી કે એવું શું કરવામાં આવે કે ઘર બેઠાં જ રોજગારી મળી જાય. એ માટે તેણે કૃષિક્ષેત્રમાં હાથ અજમાવવાનું વિચાર્યું. વર્ષ 2015માં દિવ્યાએ મશરૂમની ખેતી કરવાની ટ્રેનિંગ લીધી અને મશરૂમ ઉગાડવા માટેની સફર પર નીકળી પડી.

શરૂઆતમાં દિવ્યા ત્રણ લાખના રોકાણ સાથે મશરૂમની ખેતી કરવા લાગી. ધીરે ધીરે તેને ઓછા રોકાણમાં વધારે લાભ થતો ગયો અને તેણે પોતાની ખુદની એક કંપની બનાવી દીધી, જેને નામ આપવામાં આવ્યું સૌમ્યા ફૂડ પ્રાઇવેટ કંપની. પછી તે પોતાના રાજ્યના યુવકોને તેની ખેતી કરવાની સલાહની સાથે સાથે ટ્રેનિંગ પણ આપવા લાગી. આજ તેની કંપની હજારો લોકોને રોજગારી પૂરી પાડી ચૂકી છે.


આ રીતે દિવ્યા માત્ર પાંચ વરસમાં ઉત્તરાખંડમાં મશરૂમ ઉત્પાદનનાં 55 યુનિટ લગાવી ચૂકી છે. સ્થિતિ એવી છે કે આજ તેની કંપની બે કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્ન ઓવર કરે છે. એ સિવાય તે અનેક લોકોને નોકરી આપે છે. એટલું જ નહીં દિવ્યાની કંપની દ્વારા બનાવાતી પ્રોડક્ટ વિદેશ સુધી જાય છે.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિવ્યાએ જણાવ્યું હતું કે મશરૂમની ખેતી દરેક મોસમમાં કરી શકાય છે. બે મહિનામાં તેનો પાક આવી જાય છે. કોઈ પણ વ્યક્તિ તેને કરી શકે છે. તમે 10 બાય 12ના એક નાના રૂમમાં પણ મશરૂમની ખેતી કરી શકો છો. એક રૂમમાં તમે બધા ખર્ચા કાપીને 5થી 6 હજાર રૂપિયા તો કમાઈ જ શકો છો. બસ તમને તેની યોગ્ય રીતે ટ્રેનિંગ મળી હોવી જોઈએ. જે બાદ તમે ખુદ બિઝનેસ કરી શકો છો.


ઉત્તરાખંડની સરકારે દિવ્યાને સરાહનીય કામ માટે મશરૂમની બ્રાંડ એમ્બેસેન્ડર બનાવી ચૂક્યા છે. દિવ્યાએ જણાવ્યું કે એક યુનિટની શરૂઆત 30 હજાર રૂપિયામાં થઈ જાય છે, જેમાં પ્રોડક્શન કોસ્ટ 15 હજાર રૂપિયા હોય છે અને 15 હજાર માળખાકીય સુવિધામાં ખર્ચ થાય છે, જે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ચાલે છે.


લાલકૃષ્ણ અડવાણી સાથે દિવ્યા રાવત. આજ દેશ વિદેશમાં દિવ્યા રાવત મશરૂમ લેડીના નામથી જાણીતી છે.

પોતાના ખુદના યુનિટમાં બનેલાં મશરૂમ બતાવતી દિવ્યા રાવત

You cannot copy content of this page