સુરતમાં પુત્રીના લગ્નના બે દિવસ પહેલાં જ મકાનમાં લાગી આગ, આખું મકાન બળીને થયું ખાખ

One Gujarat, Surat: કોરોનાની બીજી લહેરે સુરતમાં તરખાટ મચાવ્યો છે ત્યારે બીજી બાજુ સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં સમોસા બનાવીને પોતાનું ગુજરાન ચલાવતાં પરિવારમાં દીકરીના લગ્ન લીધા હતાં. લગ્નના બે દિવસ પહેલાં જ આ ગરીબ પરિવારના ઘરમાં ગેસનો બાટલો લીક થતાં મસમોટી આગ ફાટી નીકળી હતી. આ આગમાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ મકાન સહિત દીકરીનો તમામ કરિયાવર અને બચાવેલા રોકડા પૈસા આ આગમાં બળી ગયા હતાં જેને લઈને પરિવાર પર આફત આવી હતી. આ ઘટના બાદ પરિવારના સભ્યો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં હતાં.

સુરતના પલસાણા તાલુકાના ચલથાણ ગામમાં આવેલા યોગેશ્વર નગરમાં પરિવાર સમોસા વહેંચીને પોતાનું ગુજરાન ચલાવતા હતાં ત્યારે આજે પણ રોજની જેમ પોતાના મકાનની અંદર સમોસા બનાવતાં હતા તે સમયે ગેસની બોટલ ચેન્જ કરતી વખતે ગેસની બોટલ લીક થઈ હતી તે સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ આખો પરિવાર ઘરમાંથી દોડીને બહાર આવી ગયો હતો.

આગ લાગતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને તાત્કાલિક આગને કાબૂમાં લેવા માટે તમામ પ્રયત્નો શરૂ કરી દીધા હતાં પરંતુ કાબૂમાં આવે તે પહેલાં જ આગે ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતાંમાં મકાન સહિત ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો જેને કારણે આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.

મકાનમાં અન્ય બે ગેસની બોટલો હોવાના ડરથી આગ લાગેલા મકાનની નજીક જઈ શક્યા નહોતા. ટોળાંમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ પોલીસે કડોદરા ફાયર વિભાગને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આગ લાગેલા મકાનમાં પરિવાર વર્ષોથી મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને આ મકાનમાં રહેતો હતો. આગને કારણે મકાનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે સદનસિબે આગમાં કોઈની જાનહાની થઈ નહોતી.

મહત્વની વાત એ છે કે, ભોગ બનનાર પરિવારની પુત્રીના બે દિવસ બાદ લગ્ન યોજવાના હતાં. તેઓ પોતાના વતને પોતાની પુત્રીના લગ્નનો પ્રસંગ ઉજવવા માટે જવાના હતાં પરંતુ આ ઘટના બાદ આખો પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આખા પરિવારની નજર સમક્ષ જ પુત્રીના લગ્ન માટે બચાવેલા રોકડા પૈસા અને કરિયાવરનો સામાન આગમાં સળગી ગયો હતો. આ દ્રશ્યને જોઈ પિતા ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતાં.