Only Gujarat

FEATURED International

કોણ છે પુતિનની દીકરીઓ? પુતિને પરિવારને રાખ્યો છે લાઈમલાઈટથી દૂર, ભાગ્યે જ આવે છે બહાર

મોસ્કોઃ કોરોના વાઈરસનો સામનો કરી રહેલા સમગ્ર વિશ્વની રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આશા વધારી હતી. પુતિને મંગળવારે (11 ઓગસ્ટ) જાહેરાત કરી કે રશિયાએ કોરોના વાઈરસની પ્રથમ વેક્સિન બનાવી લીધી છે. આ ઉપરાંત વેક્સિન તેની એક દીકરીને પણ આપવામાં આવી છે. વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે આ વિશ્વની પ્રથમ સફળ કોરોના વાઈરસ વેક્સિન છે, જેને રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનને મોસ્કોની ગામેલ્યા ઈન્સ્ટિટ્યૂટે ડેવલપ કરી છે. મંગળવારે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે વેક્સિનને સફળ જાહેર કરી હતી.

રશિયન રાષ્ટ્રપતિએ સાથે જાહેરાત કરી કે, રશિયામાં વહેલી તકે આ વેક્સિનનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવશે. તેના ડોઝ મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવશે. પુતિને જણાવ્યું કે,‘મારી દીકરીને પણ વેક્સિન આપવામાં આવી છે, અગાઉ તેને 38 ડિગ્રી તાવ હતો પરંતુ પછી તેમાં વધારો થયો. જોકે થોડીવારમાં તે કંટ્રોલમાં આવી ગયો. આ ઉપરાંત અમુક લોકોને વેક્સિનનો ડોઝ અપાયા બાદ તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા.’ જોકે એ વાતની પૃષ્ટિ નથી થઈ કે તેમની કઈ દીકરીને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. પુતિનની 2 દીકરીઓ છે. જેમનું નામ મારિયા અને કેટરીના છે.

શું કરે છે રશિયન રાષ્ટ્રપતિ પુતિનની દીકરીઓ? રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પરિવારના લોકોના પરિવારજનોની લાઈફ ઘણી સિક્રેટ રાખવામાં આવે છે. આ જ કારણે તેમના પરિવારના લોકોની ઘણી ઓછી તસવીરો કે અહેવાલ અખબારોમાં આવતા હોય છે. પુતિને હંમેશા પોતાના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખ્યા છે.

ડેઈલી મેલમાં પબ્લિશ થયેલા અહેવાલ અનુસાર, પુતિનની 35 વર્ષીય દીકરી મારિયા મેડિકલ રિસર્ચ અને શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે તેણે નેધરલેન્ડના એક વેપારી સાથે લગ્ન કર્યા છે. જ્યારે 33 વર્ષીય કેટરીના વિશે કહેવાય છે કે, તે રશિયન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનિશિએટિવ સાથે કામ કરી રહી છે.

કેટરીના પોતાની દાદીની સરનેમ લગાવે છે. પુતિનની બીજી દીકરીનું નામ મારિયા પુતિના છે. એક અહેવાલ અનુસાર તે પોતાના લાઈફ પાર્ટનર સાથે નેધરલેન્ડમાં રહે છે. મારિયાને તેના પરિવારજનો અને મિત્રો માશા નામે ઓળખે છે. પુતિને પોતાની માતાના નામ પરથી દીકરીને આ નામ આપ્યું છે. લોકો એવું કહે છે કે, તિખોનવા પણ પુતિનની દીકરી છે. પરંતુ ના તો પુતિને અને ના તો ક્રેમલિને તેની પૃષ્ટિ કરી.

રૉયટર્સ ન્યૂઝ એજન્સીની તપાસમાં એક અહેવાલ સામે આવ્યા હતા કે, પુતિનની નાની દીકરી કેટરિનાને અભ્યાસ દરમિયાન જ મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં મેનેજમેન્ટમાં ટોચના પદે નોકરી આપવામાં આવી. તે ડાન્સ કોમ્પિટિશનમાં પણ ભાગ લેતી રહે છે. પુતિનને જૂડો અને આઈસ હોકી રમવું ગમે છે. દેશના ટીવી ચેનલ પર આઈસ હોકીને ઝીણવટપૂર્વક એટલે જ દેખાડવામાં આવે છે. તાજેતરમાં એવા અહેવાલ સામે આવ્યા હતા કે, પુતિનના એક પૂર્વ સાથીએ બદલો લેવા તેની દીકરીઓની તસવીરો લીક કરી હતી.

પુતિનના પૂર્વ સાથીએ જે તસવીરો લીક કરી હતી તે 1999 બાદની છે. જ્યારે પુતિન પ્રથમવાર રશિયામાં સત્તા પર આવ્યા હતા. રશિયન મીડિયાના અહેવાલ અનુસાર, આ તસવીરો પૂર્વ અબજોપતિ સરજેઈ પુગાચેવે પુતિનને ચિંતામાં મૂકવા લીક કરી હતી. 57 વર્ષીય પુગાચેવ એક સમયે પુતિનના નિકટના સાથીઓમાં સામેલ હતા પરંતુ પુગાચેવ રશિયા વિરુદ્ધના એક કેસમાં 10824 કરોડ હારી ગયો. 1999માં પુતિનના રાષ્ટ્રપતિ બનવા પાછળ પણ પુગાચેવની ભૂમિકા મહત્ત્વપૂર્ણ મનાય છે. પરંતુ અંદાજે 10 વર્ષ બાદ પુગાચેવ રશિયા છોડી ફ્રાન્સ પહોંચી ગયા અને ત્યાંની નાગરિકતા મેળવી લીધી.

પુતિન હંમેશા પોતાના પરિવારની તમામ વાતો સિક્રેટ જ રાખે છે. પુતિનની દીકરીઓની ઉંમર 30થી વધુ છે. જોકે લીક તસવીરો વિશે એવું કહેવાય છે કે, આ તસવીરો પહેલાથી જ તેમની વેબસાઈટ પર હતી પરંતુ કોઈનું ધ્યાન તેની પર નોહતું ગયું. પુતિન પ્રથમવાર 1999માં રાષ્ટ્રપતિ બન્યા હતા. તે બોરિસ યેલ્સતિનના રાજીનામા બાદ આ પદ પર આવ્યા હતા. રાજકરણમાં આવતા પહેલા તેઓ સોવિયત સંઘની ગુપ્તચર સંસ્થા કેજીબીમાં કામ કરતા હતા.

રશિયન બંધારણ રાષ્ટ્રપતિને સતત 2 કાર્યકાળની જ મંજૂરી આપે છે. તેથી પુતિન પોતાના પ્રારંભિક 2 કાર્યકાળ બાદ વડાપ્રધાન બની ગયા. 2008માં પુતિન આ સમયમર્યાદા વટાવી ચૂક્યા હતા અને તેમણે સરળતાથી મેદવેદેવ સાથે પદોની અદલાબદલી કરી. જેથી સરકાર પર પણ તેમનું નિયંત્રણ રહે. આ પ્રકારે પુતિન વર્ષ 1999થી રશિયાની સત્તા પર પ્રભુત્ત્વ ધરાવે છે. સ્ટાલિન બાદ પુતિનના નામે જ સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ નોંધાયેલો છે.

You cannot copy content of this page