Only Gujarat

International

2020માં હવે આ જ જોવાનું બાકી હતું! દરિયામાં થઈ એવી તબાહી કે હજારો જીવો તડપી તડપીને મર્યા

રશિયાના પ્રશાંત મહાસાગરની અવાચા ખાડીમાં મોટી પ્રાકૃતિક તબાહી થયાની વાત સામે આવી છે. અહીં છેલ્લા કેટલા દિવસોથી મોટી સંખ્યામાં સમુદ્રી જીવો મૃત મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અવાચા ખાડીમાં સમુદ્રના 95 ટકા સમુદ્રી જીવોનું મોત થઈ ચુક્યું છે. જેને રશિયાની અત્યાર સુધીની સૌથી મોટી સમુદ્રી દુર્ઘટના કહેવામાં આવી રહી છે. જો કે, એ સ્પષ્ટ નથી થયું કે સમુદ્રી જીવોના મોતનું કારણ શું છે.

અવાચા ખાડીના Khalaktyrsky બીચ પર ઑક્ટોપસ, સીલ, કરચલાં, માછલીઓ સહિતના જીવો મૃત મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ સમુદ્રી તબાહીની તસવીરો વાયરલ થઈ રહી છે. જે બાદ પ્રકૃતિ પ્રેમી દોષિતો પર કાર્રવાઈ કરવાની માંગ કરી રહ્યા છે.

ધ મૉસ્કો ટાઈમ્સની એક રિપોર્ટ અનુસાર, કેટલાક વૈજ્ઞાનિકો સમુદ્રી જીવોના મૃત્યુ પાછળ પ્રદૂષણને કારણભૂત ગણાવી રહ્યા છે તો કેટલાક સમુદ્રની અંદર જ્વાળામુખી ફાટવાની અને સૈન્ય પરીક્ષણ દરમિયાન રૉકેટનું ઈંધણ લીક થવાની વાત કરી રહ્યા છે. આ ઘટનાની તપાસ માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે.

શરૂઆતની તપાસમાં એ સામે આવ્યું છે કે, ન માત્ર સમુદ્રી જીવો પરંતુ માણસો પર પણ આ પ્રાકૃતિક આપદાની અસર થઈ છે. કેટલાક સ્થાનિક માછીમારો અને સર્ફર્સે જણાવ્યું કે પાણીથી જંતુનાશક જેવી ગંધ આવી રહી છે. તો, સમુદ્રમાં સર્ફિંગ કરતા કેટલાક લોકોએ ઉલટી થવી, ગળામાં દર્દ અને આંખમાં બળતરા થવાની વાત કહી છે.

પર્યાવરણના મુદ્દા પર કામ કરતી સંસ્થા ગ્રીનપીસે પણ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. તેણે પાણીના ચાર ટેસ્ટ કર્યા. જેમાં બહાર આવ્યું છે કે પાણીમાં કોઈ પેટ્રોલિયમ જેવો પદાર્થ છે. જેના કારણે સમુદ્રી જીવોના મોત થઈ રહ્યા છે. સ્થાનિક લોકો જણાવે છે કે કેટલાક દિવસોથી સીલ, ઑક્ટોપસ અને સમુદ્રી માછલીઓ મરીને બીચ પર આવી રહી છે. આ પ્રકારની ઘટના તેમણે પહેલી વાર જોઈ છે.

તો, સ્થાનિક ગવર્નર વ્લાદિમીક સોલોડોવે આ વિશે કહ્યું કે આ બીચની આસપાસના સમુદ્રનું પાણી વિષાક્ત થયું છે. ગ્રીન પીસે પણ સમુદ્રી જીવોના વિલુપ્ત થવાની ચેતવણી આપી છે.

સોલોડોવે આગળ કહ્યું કે વિશેષજ્ઞો એ વાતની તપાસ કરી રહ્યા છે કે, શું આ ઘટના કેટલાક ઝેરીલા પદાર્થો ફેલાવાના કારણે થઈ છે. કારણ કે બીચ પાસે જ સૈન્ય પરીક્ષણ સ્થળ, રેડગિનો છે. જે સમુદ્રથી લગભગ 10 કિમીના અંતરે છે અને ઑગસ્ટમાં ત્યાં ડ્રિલ કરવામાં આવી હતી. તેણે દોષિતો પર કાર્રવાઈ કરવાની વાત કરી છે.

You cannot copy content of this page