Only Gujarat

Gujarat

બેઝનેસમેનની પત્નીની બીમારી દૂર કરી દીધી, યુવકે હીરાનો ધીકતો ધંધો છોડી ગૌશાળા શરૂ કરી

‘મારી પત્નીને સોરાયસિસની બીમારી હતી. લગભગ 25 વર્ષ સુધી એલોપથી,હોમિયોપથી અને આયુર્વેદિક સહિતની દવાઓ કરાવી હતી, પરંતુ કોઈ જ ફરક પડ્યો નહિ. અસહ્ય પીડા અનુભવતી પત્ની મોત માગતી હતી. જોકે પાંચેક વર્ષ અગાઉ એક ગાય પાળી અને એનાં દૂધ-ઘીથી પત્નીની બીમારી જડમૂળથી નાબૂદ થઈ ગઈ હતી, એટલે હીરાનું કારખાનું અને વેપાર બંધ કરીને ગૌશાળા મોટે પાયે શરૂ કરી છે, જેથી અમારી જેમ લોકોને પણ સારાં દૂધ-ઘી સહિતની પ્રોડ્કટ મળી રહે.’ -આ શબ્દો છે હીરાનો વેપાર અને કારખાનું બંધ કરીને ગૌશાળા શરૂ કરનાર હરિકૃષ્ણભાઈ લીંબાણીના. આજે સુરત અને ઓલપાડની વચ્ચે આવેલા ઈસનપુરમાં ગુરુ ગૌશાળામાં નાની-મોટી 125થી વધુ ગાયો છે, જેના થકી તૈયાર થતાં દૂધ-ઘી સહિતની પ્રોડક્ટના વેચાણથી વર્ષે-દહાડે લગભગ 25 લાખનું ટર્નઓવર થાય છે.


મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા હરિકૃષ્ણભાઈ લાભુભાઈ લીંબાણી-પટેલ ધોરણ 5માં બેવાર નાપાસ થયા બાદ હીરાના વ્યવસાયમાં જોડાઈ ગયા હતા. સુરત અને મુંબઈમાં હીરાનું કામકાજ વર્ષો સુધી કર્યું હતું. લગ્ન બાદ બે સંતાન દીકરી દિવ્યા અને દીકરા દિવ્યેશના જન્મ બાદ તેમનાં પત્ની રૂપલબેનને સોરાયસિસની બીમારી થઈ ગઈ હતી. સોરાયસિસની બીમારી ભયંકર રીતે લાગુ પડી હતી, જેથી તેમણે વર્ષો સુધી અસંખ્ય ડોક્ટર,હકીમ અને તબીબો પાસે દવાઓ કરાવી હતી. જોકે એકપણ દવા લાગુ પડી નહોતી. પરેજીઓ પણ ખૂબ પાળી હતી. આખરે પાંચેક વર્ષ પહેલાં એક ગાય પાળી અને એનાથી પત્નીની બીમારી અને પીડા નાબૂદ થતાં ગૌશાળા શરૂ કરવાનો દૃઢ નિર્ધાર કર્યો હતો.


બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરતા હરિકૃષ્ણભાઈ સુરતથી રાજકોટ સુધી દોડીને પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસે ગયા હતાં. હરિકૃષ્ણભાઈ કહે છે, એકવાર મંદિરમાં સંતોનું પ્રવચન ચાલતું હતું ત્યારે રામાયણનો એક પ્રસંગ સ્વામીજીએ કહેલો, જેમાં દિલીપ રાજાને સંતાનો ન હોવાથી તેમને ગાયની સેવા કરવાનું કહેવામાં આવે છે. ગાયોની ઉત્તમ સેવા કરવાને કારણે દિલીપ રાજાને ત્યાં સંતાન પ્રાપ્તિ થયેલી. તો મને થયું કે જો ગાય સંતાન આપતી હોય તો મારી પત્નીની બીમારી ગાય દૂર ન કરી શકે?. બસ..પછી ગાય પાળી અને આજે રૂપલ એકદમ સ્વસ્થ છે.


ગુરુઓની પ્રેરણાથી અને સાળંગપુર બીએપીએસ ગૌશાળાના તપોધન ભગતના સપોર્ટ અને માર્ગદર્શનથી ગૌશાળા ચલાવતા હરિકૃષ્ણભાઈએ કહ્યું હતું કે અમને દેખીતો લાભ ગાયથી મળ્યો. આજે લોકો ભેંસ અને અન્ય પ્રાણીઓના દૂધના સેવન કરે છે, પરંતુ ગાયને આપણે માતા ગણીએ છીએ અને એનાં ઘી, દૂધથી અનેક લાભ થઈ રહ્યા છે. ત્યારે અમે ગૌશાળા શરૂ કરવાનું વિચાર્યું હતું. આજે ભાડાની જગ્યામાં લગભગ 47 વાછરડી સહિત સવાસોથી વધુ ગૌવંશનો ઉછેર કરી રહ્યા છીએ.


ગીર ગાયો માટે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતા. જામનગર, રાજકોટ સહિતના વિસ્તારોમાંથી ગાયો સુરતના ઈસનપુરમાં લાવ્યા અને આ રીતે ગૌશાળા શરૂ થઈ. ગાયોને ગૌશાળામાં મચ્છરનો ત્રાસ ન રહે એ માટે પંખા બાંધવામાં આવ્યા છે. ગાયોને બાંધવાની જગ્યાએ છૂટી રાખવામાં આવે છે. ખુલ્લી જમીનમાં ઘાસ ચારવા માટે રોજ પાંચેક કલાક છોડવામાં આવે છે, સાથે જ ગાયોને નવડાવવાથી લઈને એના ગોબરને દૂર આસાનીથી કરી શકાય એવી વ્યવસ્થા કરાઈ છે.


ગુરુ ગૌશાળામાં ગાયના વિયાણ અને સીઝન પ્રમાણે દૂધની વધઘટ થતી હોવાનું કહેતાં હરિકૃષ્ણભાઈ ઉમેરે છે કે લગભગ વર્ષની વાત કરીએ તો એવરેજ 200 લિટર દૂધનું ઉત્પાદન થાય છે. તમામ ગાયોને હાથોથી જ દોહવામાં આવે છે. મશીનનો ઉપયોગ થતો નથી. આ દૂધને ગૌશાળાથી તેમના ઘરે લાવીને પછી કાચની બોટલમાં તેમના ગ્રાહકો સુધી 100 રૂપિયાના ભાવે પહોંચાડવામાં આવે છે. દૂધ વધે એમાંથી ઘી બનાવવામાં આવે છે, જે લિટરે 2500 રૂપિયાના ભાવે વેચાય છે તથા માખણ 2000 રૂપિયે અને છાશનું પણ વેચાણ કરવામાં આવે છે.


ગુરુ ગૌશાળામાં નવી જન્મતી વાછરડી અને વાછરડાંનાં નામ પાડી દેવામાં આવે છે. દરેક ગાય અને વાછરડાનું એક નામ હોય છે. ગંગા, ગોમતીથી લઈને સામાન્ય નામો પણ ગાયોને આપવામાં આવ્યાં છે. ગાયો જ નહીં, પરંતુ નંદી(બૂલ)ના નામ પણ સાગર અને ગણેશ આપવામાં આવ્યાં છે. ગાયોને ઘાસચારો કટિંગ કરીને આપવા માટે મશીન પણ ગૌશાળામાં જ છે. દેશી ખોળ આપવાની સાથે સાથે ભડકા સહિતની થૂલી પણ ગાયોને અપાય છે. ગૌશાળામાં ગાયોની દેખરેખ માટે લગભગ છ લોકો સતત કામ કરે છે.


હરિકૃષ્ણભાઈએ કહ્યું હતું કે લોકો સારું ખાય અને સારું જીવન જીવે એ જ ઈરાદે અમે ગૌશાળા શરૂ કરી છે. હાલ મોંઘવારી ખૂબ છે છતાં અમે ગૌશાળા શરૂ કરી છે. આવનારા દિવસોમાં અમે ગાયની અન્ય પ્રોડ્કટ પણ બનાવવા વિચારીએ છીએ. હાલ નફો ન હોવા છતાં લોકોના સાથસહકાર અને માગ વધુ ઊભી થાય તો અમારો ઈરાદો રોજનું 500 લિટર દૂધ લોકો સુધી પહોંચાડવાનો છે. લોકોના સારા સ્વાસ્થ્ય માટે સારો આહાર જરૂરી છે, માટે લોકોની જરૂરિયાત પ્રમાણે, અમે ગૌશાળામાં વધુ ગૌવંશનો ઉછેર કરવાનું વિચારી રહ્યા છીએ.

You cannot copy content of this page