Only Gujarat

FEATURED National

બે વર્ષમાં આ મહિલા એક-બે નહીં પણ નવ-નવ સંતાનોની બની માતા, ડૉક્ટર્સે ચમત્કાર ગણાવ્યો

હેરિસબર્ગઃ એવી કહેવત છે ને કે જ્યારે ઉપરવાળો આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. તે ધન હોય કે ખુશીઓ. પરંતુ જ્યારે અમુક ખુશીઓ મોટા પ્રમાણમાં મળી જાય તો તેને સંભાળવામાં મુશ્કેલી ઊભી થતી હોય છે. પેન્સિલવેનિયામાં રહેતા એક કપલને લગ્નના ઘણા વર્ષો બાદ પણ સંતાન નહોતું. ઘણા પ્રયાસો બાદ પણ તેમને સફળતા ના મળતા તેમણે ખુશી મેળવવા માટે 2017માં 4 બાળકોની દેખરેખની જવાબદારી સંભાળી. તેઓ તેમના ફોસ્ટર પેરેન્ટ્સ બન્યા એટલે કે પાલક માતા-પિતા. તેના એક વર્ષ બાદ જ તેઓ IVF થકી એક દીકરાના માતા-પિતા બન્યા.


દીકરાના જન્મથી ખુશ થયેલા કપલે 4 બાળકોને પણ કાયદાકીય રીતે દત્તક લઈ લીધા. પરંતુ તે પછી અચાનક જ 5 બાળકોના માતા-પિતા માટે ખુશીના ચોંકાવનારા સમાચાર આવ્યા. મહિલા અચાનક ગર્ભવતી થઈ ગઈ અને તે પણ 1-2 નહીં પરંતુ 4 બાળકો સાથે. એટલે કે 2 વર્ષમાં તેઓ 9 બાળકોના માતા-પિતા બન્યા.


પેન્સિલવેનિયામાં રહેતા મક્સિને અને જેકને પોતાના લગ્નના ઘણા વર્ષ સુધી બાળકો નહોતા. તમામ પ્રયાસ અને ઘણી સારવાર બાદ પણ તેમને સફળતા ના મળી. જે પછી નિરાશા દુર કરવા 4 બાળકોની ફોસ્ટરિંગનો પ્રારંભ કર્યો. વર્ષ 2018માં IVFથી મક્સિને એક દીકરાને જન્મ આપ્યો. આ વાતથી ખુશ થયેલા કપલે દેખરેખ હેઠળના બાળકોને પણ દત્તક લઈ લીધા.


અમુક દિવસ બાદ જ મક્સિનેની તબિયત લથડી. જ્યારે તેણે હોસ્પિટલની મુલાકાત લીધી તો પોતે ગર્ભવતી હોવાની જાણ થઈ. એ પણ 1-2 નહીં પરંતુ 4 બાળકો સાથે. જે સાંભળ્યા બાદ કપલ ઘણું જ ખુશ હતું. 31 જુલાઈએ મક્સિને પોતાના ચારેય બાળકોને જન્મ આપ્યો. જેમાંથી 2 બાળકો કમજોર હોવાના કારણે સારવાર મેળવી રહ્યાં છે. જ્યારે અન્ય 2 બાળકો કપલ સાથે ઘરે પહોંચી ગયા છે.

એક સમયે જે કપલ બાળકો માટે તરસી રહ્યું હતું તેને ઈશ્વરે 2 વર્ષમાં 9 સંતાનો આપ્યા. કપલે તેમની સ્ટોરી લોકો સાથે શેર કરી. તેઓ પોતાના બાળકો સાથે ઘણા ખુશ છે. પરંતુ મક્સિને જણાવ્યું કે, હવે તેની લાઈફ ઘણી બદલાઈ ગઈ છે. તેનું જીવન હવે માત્ર બાળકોની આગળ-પાછળ જ ફરે છે. તેની પાસે હવે પતિ માટે પણ સમય રહેતો નથી.

2016માં લગ્ન બાદથી તેઓ બાળક માટે પ્લાનિંગ કરી રહ્યાં હતા. સફળતા ના મળતા 4 બાળકોને ઉછેરવાની જવાબદારી લીધી અને પછી તેમને દત્તક પણ લીધા. હવે 11 લોકોના પરિવારમાં ઘણી અવરજવર રહે છે. જેકને બાળકો ગમે છે પરંતુ તેણે એવું નહોતું વિચાર્યું કે તે 9 બાળકોનો પિતા બનશે.

મક્સિનેની પ્રેગ્નન્સીને ડૉક્ટર્સે ચમત્કાર ગણાવી. અગાઉ તો તે ગર્ભવતી નહોતી થઈ રહી અને જ્યારે થઈ તો કોઈપણ ટ્રિટમેન્ટ વગર 4 બાળકોની નોર્મલ ડિલીવરી કરી. એ ચોંકાવનારી ઘટના છે. હવે કપલનો મોટાભાગનો સમય બાળકો સાથે જ પસાર થાય છે અને એકબીજાને સમય આપી શકતા નથી. પરંતુ તેઓ બાળકો સાથે ઘણા ખુશ છે.

You cannot copy content of this page