Only Gujarat

Gujarat TOP STORIES

કોરોનામાં આખાં ફેફસાં પથ્થર થઈ ગયાં, ડૉક્ટર્સ પણ જોઈને ચોંકી ગયા

રાજકોટઃ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ પર ગંભીર અસર કરી છે. આ સંક્રમણને અટકાવવા હાલ કોઈ વેક્સિન સામે આવી નથી. આ દરમિયાન રાજકોટમાં શરૂ થયેલા દેશના બીજા કોવિડ ઓટોપ્સી સેન્ટરની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોરોના સંક્રમણના કારણે ફેફસાં પર ઘણી ખરાબ અસર થાય છે અને તે પથ્થર જેવા બની જાય છે. જેના કારણે વ્યક્તિને શ્વાંસ લેવામાં સમસ્યા થવા લાગે છે અને આગળ જતા આ જ વાત તેના મોતનું કારણ પણ બનતી હોય છે.

ફેફસાં પર ચારેય બાજુથી કરે છે હુમલો
કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવનારા 6 લોકોની ઑટોપ્સી રિપોર્ટ બાદ આ વાતનો ખુલાસો થયો છે. પરીક્ષણ મામલે ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડૉ. હેતલ ક્યાડાએ જણાવ્યું કે, સંક્રમણના કારણે ફફસાંમા ફાઈબ્રોસિસનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે ફેફસાંને બહાર કાઢવા પર પથ્થર ઉપાડવા જેવો અનુભવ થાય છે. આ એક પ્રકારની બીમારી છે જેના કારણે ટિશ્યૂ ખરાબ થવા લાગે છે. તેના કારણે ખાંસી આવવા લાગે છે. સામાન્ય રીતે ટીબી અથવા નિમોનિયામાં ફાઈબ્રોસિસ ફેફસાંના ઉપર કે નીચલા ભાગે જોવા મળે છે.

પરંતુ કોરોનામાં આ ફેફસાંની ચારેય બાજુ જોવા મળે છે. તેના આક્રમણના કારણે ફેફસાં પથ્થર જેવા થઈ જાય છે. એવામાં ફેફસાં સુધી શુદ્ધ હવા પહોંચી શકતી નથી અને વ્યક્તિને શ્વાંસ લેવામાં સમસ્યા થવા લાગે છે. હજુ આ માત્ર ઓટોપ્સી દરમિયાન જોવા મળેલું છે, સાચું કારણ તો રિસર્ચ કર્યા બાદ જ ખ્યાલ આવશે.

શ્વાસ લેવામાં થાય છે સમસ્યા
તબીબોના જણાવ્યા અનુસાર, કોઈપણ વાઇરસ સામે લડવા શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય બને ત્યારે સૌથી પહેલા ફેફસાંમાં અસર થાય છે અને વાઇરસ અને રોગપ્રતિકારક શક્તિની લડાઈની આડઅસર તેમજ ટિશ્યુ રિપેર કરવા માટેની પ્રતિક્રિયાને કારણે ફેફસાંની ઝીણી નળીઓમાં પ્રવાહી ભરાવા લાગે છે, આ પ્રવાહી જામી જતાં ફેફસાં સ્થિતિસ્થાપકતા જળવાતી નથી અને કઠણ બને છે જેને ફાઈબ્રોસિસ કહે છે.

ફેફસાં કઠણ થતાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને ઓક્સિજન મળતું નથી. ફાઈબ્રોસિસ બધા રોગમાં અલગ અલગ રીતે થતું હોય છે કોરોનામાં ફાઈબ્રોસિસનું સાચું કારણ અને કઈ રીતે ફેલાય છે એની સાઈકલ રિસર્ચ બાદ બહાર આવશે.

પ્રવાહી જામી જવાથી ફેફસાંની નળીઓમાં ગઠ્ઠા થાય અને ફેફસાં સ્થિતિસ્થાપકતા ગુમાવી કઠણ બને છે, આ કારણે ફેફસાંનો રંગ બદલાય છે અને ક્યારેક એમાં કાણાં પણ પડી જાય છે. ફેફસાં ખૂબ જ સ્થિતિસ્થાપક અને તાજી બ્રેડ કરતાં પણ નરમ હોય છે. આ કારણે જ ફેફસાં ઓક્સિજન અને કાર્બનડાયોક્સાઈડની લેવડદેવડ કરી શકે છે.

ફાઈબ્રોસિસ થવાનાં ઘણાં કારણો અને પ્રકારો હોય છે અને બધામાં સખત થવાનો હિસ્સો અને સખતાઈ એટલે કે ડેન્સિટી પણ અલગ હોય છે. ફેફસાંના 5 ખંડ હોય છે, જેમાં ડાબી બાજુ 2 અને જમણી બાજુ 3 હોય છે. સામાન્ય રીતે ફાઈબ્રોસિસ ડાબી બાજુ વધુ હોય છે. કોરોનાના દર્દીઓમાં પાંચેય ખંડમાં ફાઈબ્રોસિસ જોવા મળ્યું છે.

You cannot copy content of this page