Only Gujarat

Gujarat

સોનાના સિક્કા મળ્યાની અફવાએ લોકોને આખી રાત ગોથે ચડાવ્યા, સિક્કા મળ્યા તો ખરા પણ…

લાલચ બુરી બલા હૈ…આ વાત બધાને ખબર છે. છતાં લોકોના મનમાં લાલચ ઓછી થતી નથી અને આ લાલચ લોકોને ન કરવાનું કામ કરાવે છે. આવું જ બન્યું છે સુરતમાં. સુરતના ડુમસ વિસ્તારમાં રસ્તા પરથી સોનાના સિક્કા મળી રહ્યાની અફવાએ લોકોને દોડતા કરી દીધા. લોકો અંધારામાં ટોર્ચ લઈ રસ્તા પર ઊતરી આવ્યા અને આખી રાત સોનાના સિક્કા શોધતા રહ્યા. લોકોને સિક્કા મળ્યા ખરા પણ એ સોનાના નહીં, પણ પિત્તળના નીકળ્યા.

આ અંગેની વિગત એવી છે કે, ડુમસના કાંદી ફળિયાના રસ્તા ઉપરથી સોનાના સિક્કા મળી રહ્યા હોવાની અફવા આગની જેમ ફેલાઈ. જેને લઈ ગામના લોકો રોડ પર ઊતરી આવ્યા હતા. રાત્રિના સમયે અંધારામાં ટોર્ચ લઈને લોકો સિક્કાની શોધમાં લાગી ગયા. સોનાના સિક્કાની લાલચમાં લોકો સૂર્યોદય બાદ પણ શોધતા જોવા મળ્યા. દિવસ ઊગ્યા બાદ પુરુષોની સાથે સિક્કાની શોધમાં મહિલાઓ પણ રસ્તા પર ઊતરી આવી.

ગામવાસીએ જણાવ્યું કે કાદી ફળિયાના યુવાનો રાત્રિના સમયે ચાલવા નીકળ્યા હતા. તે સમયે બે-ત્રણ યુવાનોને રસ્તા પરથી કેટલાક ચમકદાર સિક્કા મળી આવ્યા હતા. સિક્કા સોનાના હોવાનું લાગતા ઘરે ગયા બાદ પરિવારને જાણ કરી હતી. જેને લઈ ગણતરીની મિનિટોમાં રોડ ઉપરથી સોનાના સિક્કા મળી રહ્યા હોવાની અફવા વાયુવેગે પ્રસરી ગઈ. લોકો રાત્રિના અંધારામાં ટોર્ચ લઈ રોડ ઉપર સોનાના સિક્કાની શોધમાં નીકળી પડ્યા હતા.

ગુરુવારને સાંઈ બાબાના દિવસ તરીકે માનતા ગામવાસીઓ સૂર્યોદય સાથે જ ફરી રોડ ઉપર સોનાના સિક્કાની શોધખોળમાં વ્યસ્ત થઈ ગયા હતા. એકને જોઈ બીજા લોકો પણ પોતાનું નસીબ અજમાવવા રોડ ઉપર લોકો આમથી તેમ નજર નાખી રહ્યા હતા. બપોરે 2 વાગ્યા સુધી અમુક લોકોને સિક્કા મળ્યા તો ખરા પણ તેને જોઈને નિરાશ થઈ ગયા. કારણ કે એ સોનાના નહીં, પરંતુ પિત્તળના હોવાનું બહાર આવ્યું છે.

ગામના લોકોએ કહ્યું કે રાત્રિના સમયે વોકિંગમાં નીકળેલા યુવકોને ચમકતા સિક્કા મળ્યા બાદ અન્ય લોકો પણ નીકળ્યા હતા. જોકે સિક્કા સોનાનું ન હોવાથી લોકો નિરાશ થયા હતા. એવું લાગી રહ્યું છે કે કોઈ ટિખળખોરે ચોખાની થેલીમાં કેટલાક પિત્તળના સિક્કા નાખી રોડ ઉપર ફેંકી દીધા હોય શકે છે. કોઈ ધાર્મિક વિધિમાં લઈ જવાતા સિક્કાવાળી થેલી પડી ગઈ હોય અને રોડ ઉપર સિક્કા વિખેરાઈ ગયા બાદ એ રોડ પરથી મળી આવ્યા હોય એમ લાગી રહ્યું છે.

ડુમસ નજીક રસ્તા પર સોનાના સિક્કા મળતા હોવાની વાતથી ખાણીપીણી વેચવા ગામમાં આવતાં લોકો પણ પોતાનો ધંધો ભુલી રસ્તા પર પોતાના વાહનો ઉભા રાખીને સિક્કા શોધવા લાગી ગયા હતાં. રાત્રિના સમયે મોટી સંખ્યા સિક્કા શોધવા આવેલા લોકોએ સવારમાં ખમણવાળા પાસેથી ખમણથી પેટ ભર્યું હતું અને ફરી સિક્કા શોધવા લાગ્યા હતાં. ખમણવાળાને સિક્કા તો ન મળ્યાં પરંતુ થોડો ઘણો ધંધો થઈ ગયો હોવાથી તેનો દિવસ જરૂર સુધરી ગયો.

You cannot copy content of this page