Only Gujarat

Gujarat

લક્ઝુરિયર્સ લાઈફ છોડી મોડેલે સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું, જાણો કેમ?

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ત્યારે મુંબઈની મોડેલ પણ વતનમાં સરપંચપદ માટે ચૂંટણી લડવાનો નિર્ધાર કરીને ચૂંટણી મેદાનમાં ઊતરી છે. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામમાં મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા (નિપા) પટેલે પણ સરપંચપદ માટે ઉમેદવારી કરી છે.એશ્રા પટેલ વર્ષોથી મુંબઇમાં રહીને મોડેલિંગ કરે છે અને લગભગ 100થી વધુ બ્રાન્ડ્સને પ્રમોટ કરવા માટે મોડેલિંગ કર્યું છે.

કોરોના અને ચોમાસામાં લોકોને ખુબ મુશ્કેલી પડી
મોડેલ એશ્રા પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં માદરેવતન કાવીઠામાં રહેવાનો અનુભવ લીધો અને લોકડાઉનમાં કેટલાક લોકોને કોરોના થયો, ત્યારે સારવાર માટે પૈસા ન હતા આટલું જ નહીં દવાખાને લઇ જવાવાળું ન હતું. એ લોકોને તો એ પણ ખબર ન હતી કે, કોરોના શું છે, પણ એ લોકો ઝઝૂમી રહ્યા હતા, તેને જોઈને મને લાગ્યું કે, મારાથી બને તેટલી હું મદદ કરું. ચોમાસામાં એટલો બધો વરસાદ પડ્યો ત્યારે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, તો કેટલાકના ઘરમાંથી પાણી ટપકતું હતું, અહીંના મોટાભાગના લોકોને 6 મહિના સુધી ઘરે બેસી રહેવું પડે, બધા મજૂરી પર જીવવાવાળા છે.

ડેવલોપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહીં ?
મારી જિંદગીમાં તો બધું સારું જ છે. હું દુનિયાના ઘણા બધા દેશમાં ફરી છું, ડેવલોપમેન્ટ દુનિયાભરમાં છે તો મારા ગામમાં કેમ નહીં ? એટલે મને થયું કે મારે કંઈક કરવું જોઈએ. અહીં હમણાં સરપંચ તો છે, પણ વહીવટ બીજો કરે છે. કામ થતાં નથી, જેઓને મજૂરી મળતી હોય તેઓને મનરેગા હેઠળ મજૂરી પુરી પાડવાની એ પૈસા ખિસ્સામાં નાખે છે. લોકો માટે કોઈને કામ નથી કરવું, એટલે મને મારા દિલથી થયું કે કાંઇક કરું.

મોડેલ એશ્રા પટેલ સરપંચ પદે ચૂટાય તો પ્રાયોરિટી શું હશે ?
હું અહીં રહેતી હતી, ત્યારે શાળાએ જવા માટે બસ ન હતી, અડધો દિવસ બસ આવે અડધો દિવસ ના આવે. હમણાં તો બસ આવતી જ નથી. ઘણા બધા એવું કહે છે કે, અહીં બસ નથી આવતી એટલે અમે છોકરાઓને શાળાએ મોકલતા નથી. શિક્ષણનો અભાવ રહેશે તો એમને સમજ કેવી રીતે પડશે. લોકો એમને છેતર્યા જ કરશે.

મારે એ લોકોને શિક્ષણ આપવું છે. બીજું ચોમાસામાં અહીં ઘૂંટણસમા પાણી હતા, અત્યારે એક સગર્ભા મહિલાને ઊંચકીને લાવવી પડી હતી. ત્યાં કોઈ ગાડી પણ જઇ ના શકે તેવી હાલત હતી. એટલે જ્યાં રસ્તા નથી ત્યાં રસ્તા બનાવવા છે. કેટલા બધા લોકો પાસે પાકા ઘર નથી. ઘરમાં હમણા તો પાણી પડે છે. કોઈપણ જાતની સગવડ જ નથી. તેવા લોકોને આવાસ અપાવવું છે.

મારા પોતાના ખિસ્સામાંથી બાળકોને પૌષ્ટિક આહાર આપીશ
શાળામાં ગઈ ત્યારે જોયું હતું કે, શાળામાં પૌષ્ટિક જમવાનું અપાતુ નથી. સરકારમાંથી નહીં આવે તો મારા પોતાના ખિસ્સામાંથી પૌષ્ટિક આહાર આપીશ જ. આ સિવાય પણ અહીં ઘણા બધા કામો કરવા છે. બાળકો માટે રમતગમતના મેદાન મળે, વૃદ્ધ લોકોનો કોઈ આધાર નથી એ લોકો માટે કંઇક કરી શકું, મારે મારા ગામ માટે કંઇક કરવું છે. એ મારી ફરજ બને છે.

મોડેલ અને સરપંચ વચ્ચે સમન્વય કેવી રીતે કરશો ?
એશ્રા પટેલને જ્યારે સવાલ કર્યો કે, તમે એક મોડેલ અને સરપંચ વચ્ચે સમન્વય કેવી રીતે કરશો ? ત્યારે જણાવ્યું હતું કે, મેં નક્કી કર્યું છે કે, ગ્લેમર ઈન્ડસ્ટ્રીઝની સુખ સાહ્યબી મને મળે છે. મુંબઇએ મને ઘણું બધુ આપ્યું છે, પણ મારી પહેલી પ્રાયોરિટી મારું ગામ જ હશે.

જે લોકોને ઘર આપવાના છે તેમણે ઘર, રોજગારી નથી. તેઓને રોજગારી અપાવીશ, જે લોકોના બાળકો હેરાન થઈ રહ્યા છે. શાળાએ જવા સગવડ નથી તેઓ માટે સગવડ કરાવીશ. મારાથી જેટલી બનશે દુનિયામાં જેટલી સગવડ છે તે બધી જ સગવડ લાવવાનો પ્રયત્ન કરીશ.

પરિવારમાં પિતા પણ રાજકારણી
એશ્રા પટેલના પિતા નરહરી પટેલ, ગામના સરપંચ રહી ચૂક્યા છે, તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે તેમજ એપીએમસી બોડેલીના ચેરમેન પણ રહી ચૂક્યા છે. અને માતા મીનાક્ષી પટેલ એક ગૃહિણી છે, જ્યારે તેમના એક ભાઈ અમેરિકામાં સ્થાયી થયા છે.

You cannot copy content of this page