ભાણિયા માટે મામા-મામી પતંગ ખરીદવા જતાં હતા અને કાળ ત્રાટક્યો

આખું ગુજરાત જ્યારે હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ મનાવી રહ્યું હતું ત્યારે એક પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. ભાણિયા માટે પતંગ ખરીદી કરવા જઈ રહેલા મામા-મામીની બાઈકને કારે ટક્કર મારી હતી. જેમાં મામા-મામી અને ભાણિયાના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

પંચમહાલ જિલ્લાના સાદરા ગામમાં રહેતા અરવિંદભાઈ માછી ઉં.વ. 26 ,પત્ની કલ્પના માછી ઉં.વ. 26 ઉત્તરાયણનો તહેવાર મનાવવા બીલીઠા ગામે બહેનના ઘરે આવ્યા હતા. જ્યાથી ભાણિયા માટે કપડા અને પતંગની ખરીદી કરાવવા બાલાસિનોર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કાળમુખી કારે બાઈકને ટક્કર મારતા મામા-મામી અને ભાણિયાનું ઘટના સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું.

દંપતી વહાલસોયા 11 વર્ષીય ગૌરવને ઉત્તરાયણ નિમિત્તે પતંગ, દોરી અને કપડાની ખરીદી કરવાનું નક્કી કરતા ત્રણે અરવિંદના બાઈક પર બાલાસિનોર આવવા માટે નીકળ્યા હતા.ત્યારે સામેથી આવતી સ્કોર્પિયો કારના ચાલકે અરવિંદના બાઇકને ટક્કર મારતા ત્રણે ઉછળી જમીન પર પછડાયા હતા.