લગ્ન કરીને પરત ફરતી વર-વધૂની કારે બે બાળકોને કચડી નાખ્યા, કપલ પણ ઘાયલ

જાનની કારની હડફેટે આવતાં બે માસૂમ બાળકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં વર-વધૂ પણ ઘાયલ થયા હતા. ત્યારબાદ ત્યાં ગામના લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. ડ્રાઇવર કાર છોડીને ભાગી ગયો હતો. ત્યારબાદ ગ્રામજનોએ વાહનમાં તોડફોડ કરી હતી. વધુની સામે જ વરરાજા પર લોકો દ્વારા અપશબ્દોની વર્ષા કરવામાં આવી. ગામના લોકોએ વર-વધૂને બંધક પણ બનાવી લીધા હતા. ઘણી સમજાવટ બાદ ગામના લોકો માન્યા અને બંનેને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યારબાદ તેમની સારવાર શરૂ થઈ હતી.

બિહારના વૈશાલી જિલ્લાના અલીપુર ભડવાસ ગામ પાસે લગ્ન બાદ વર-કન્યાને લઈને પરત આવતી પૂરઝડપે કારે રસ્તાની બાજુમાં ઉભેલા બે બાળકોને કચડી નાખ્યા હતા. બંને બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સાથે જ બાળકોને કચડી નાખ્યા બાદ કાર થાંભલા સાથે ટકરાઈ હતી, જેમાં કારમાં સવાર વર-વધૂ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

અકસ્માત બાદ ગામમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાસ્થળે સેંકડો લોકોની ભીડ જમા થઈ ગઈ. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ હાઈવે માર્ગ બંધ કરી દીધો છે. ઘાયલ વર-વધૂને સારવાર માટે ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા છે.

ગાડીચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બાળકોની લાશોને કસ્ટડીમાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. મૃતકોમાં એક 8 વર્ષ અને એક 10 વર્ષનો બાળક સામેલ છે.