4 બાળકોની માતા પોતાના પતિને છોડીને જૂના પ્રેમી સાથે રફૂચક્કર થઈ ગઈ

બિહારમાં એક અજીબ મામલો સામે આવ્યો છે. ખગડિયામાં 4 બાળકોની મા પોતાના પતિને છોડીને જૂના પ્રેમી સાથે ભાગી ગઈ. મહિલાના પતિએ તેના પ્રેમીની પત્ની સાથે મોબાઈલ પર વાતો શરૂ કરી. બંને વચ્ચે પ્રેમ થઈ ગયો અને તે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. બંનેની પત્નીઓ અને બાળકો અદલા-બદલી કરવામાં આવ્યા. બંને બિહારથી બહાર પોતપોતાના પરિવાર સાથે સુખી પારિવારિક જીવન વીતાવી રહ્યા છે.

મુકેશ કુમાર સિંહની પત્ની ઘરેથી અચાનક ગાયબ થઈ જતા ચારેબાજુએ ચર્ચાઓ થઈ રહી હતી. બીજી તરફ હરદિયા ગામમાં રહેતા નીરજ કુમાર સિંહના ઘરના લોકો ચિંતિત હતા કે ક્યાંક પત્નીના ભાગી જવાથી નીરજ કોઈ ખોટું પગલું ના ભરી લે. દરમિયાન, નીરજ કુમાર સિંહ અને તેની નવી પત્નીએ એક સાથે વીડિયો જાહેર કરી બંનેએ એકબીજા સાથે લગ્નની જાણકારી આપી. હવે ચારેબાજુએ આ લવ સ્ટોરીની ચર્ચા થઈ રહી છે.

ખગડિયાના હરદિયા ગામમાં રહેતા નીરજ કુમાર સિંહના લગ્ન 14 વર્ષ પહેલા 2009માં ગોગરીના પસરાહા ગામમાં રહેતી રુબી દેવી સાથે થયા હતા. લગ્ન પહેલા રુબી પોતાના ગામના જ મુકેશ કુમાર સિંહને પ્રેમ કરતી હતી. લગ્ન બાદ પણ તેમનો પ્રેમ પ્રસંગ ચાલતો રહ્યો. દરમિયાન, નીરજ કુમાર સિંહ અને રુબી દેવીને ચાર બાળકો થયા. પરંતુ, રુબીનો પ્રેમ પોતાના પ્રેમી સાથે ઓછો થવાને બદલે વધતો ગયો.

રુબીના લગ્નના થોડાં વર્ષો બાદ તેના પ્રેમી મુકેશ કુમાર સિંહના પણ લગ્ન થઈ ગયા હતા અને સંજોગોવશાત તેની પત્નીનું નામ પણ રુબી દેવી જ છે. દરમિયાન આશરે એક વર્ષ પહેલા 6 ફેબ્રુઆરી, 2022ના રોજ નીરજ કુમાર સિંહની પત્ની રુબી દેવી એક પુત્રીને છોડી પોતાના ત્રણ બાળકો સાથે પ્રેમી મુકેશ કુમાર સિંહ સાથે ભાગી ગઈ.

પત્નીના ભાગી જવાથી નીરજ કુમાર અંદરથી તૂટી ગયો બીજી તરફ મુકેશ કુમાર સિંહની પત્ની પણ પતિની બેવફાઈથી એકલતા અનુભવવા માંડી. પતિના છોડી ગયા બાદ મુકેશની પત્ની રુબી દેવી પોતાના બાળકો સાથે એકલી રહેતી હતી. દરમિયાન નીરજ કુમારને પોતાની પત્નીના પ્રેમીની પત્નીનો મોબાઈલ નંબર મળ્યો. તેણે ફોન કરીને પોતાનો પરિચય આપ્યો તો બંને એકબીજાની વ્યથા સંભળાવવા માંડ્યા.

પોતાના પતિ અને પત્નીની બેવફાઈનું દુઃખ સહેવુ મુશ્કેલ બની ગયુ અને બંને વચ્ચે પ્રેમ શરૂ થઈ ગયો. એકબીજાને મળ્યા બાદ બંનેની એક નવી પ્રેમ કહાની શરૂ થઈ અને તે બંને 11 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરેથી ભાગી ગયા અને 18 ફેબ્રુઆરીના રોજ બંનેએ કોર્ટમાં લગ્ન કરી લીધા. પછી, બંને પોતપોતાના બાળકોને લઈને મધ્ય પ્રદેશ ચાલ્યા ગયા, જ્યાં બંને સુખી લગ્નજીવન માણી રહ્યા છે.