Only Gujarat

International

સાઉદીમાં આ ભારતીયોની હાલત થઈ દયનીય, રસ્તા પર ભીખ માગવાના આવ્યા દિવસો

દુબઈઃ કોરોના વાઈરસ મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં અર્થવ્યવસ્થા ખરાબ થઈ છે. મહામારીના સમયે ઘણા ઉદ્યોગ બંધ થયા અને સાથે હજારો-લાખો લોકો બેરોજગાર થયા. જ્યારે સાઉદી અરેબિયાથી એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે 450 ભારતીય કામદારો પાસે નોકરી ના હોવાના કારણે તેઓ ભીખ માગવા મજબૂર થયા છે. કોરોનાને કારણે આર્થિક સંકટમાં મોટાભાગને પોતાની નોકરી ગુમાવી છે અને વર્ક પરમિટ પૂર્ણ થવાને કારણે પણ તેઓ ત્યાં ફસાયેલા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કામદારોમાં મોટાભાગના તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કાશ્મીર, બિહાર, દિલ્હી, રાજસ્થાન, કર્ણાટક, હરિયાણા, પંજાબ અને મહારાષ્ટ્રના છે. નોકરી જવાના કારણે ભારતીય કારીગરોએ ભીખ માગવી પડી રહી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા એક વીડિયોમાં ભારતીય કામદારો કહી રહ્યાં છે કે,‘તેમનો ગુનો માત્ર એટલો છે કે તેમણે ભીખ માગવાનું કામ કર્યું.’સાઉદી અરેબિયન તંત્રએ તેમના રૂમની ઓળખ કરી અને તેમને જેદ્દાહ સ્થિત ડિટેન્સન સેન્ટરમાં નાખી દીધા.

રિપોર્ટ્સ અનુસાર, ડિટેન્શન સેન્ટરમાં રહેલા ભારતીયોમાં ઉત્તર પ્રદેશના 39, બિહારના 10, તેલંગાણાના 5 અને મહારાષ્ટ્ર-જમ્મુ કાશ્મીર અને કર્ણાટકના 4-4 લોકો છે. એક વ્યક્તિ આંધ્ર પ્રદેશનો છે. કોરોના મહામારીને કારણે સાઉદી અરબની અર્થવ્યવસ્થાને પણ મોટાપાયે અસર થઈ છે. અહીં કામ કરતા વિદેશી કામદારોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ઘણા કામદારોએ કહ્યું કે, તેમને ચારેય તરફથી નિરાશા જ સાંપડી છે.

એક ભારતીય કામદારે કહ્યું કે, તેમણે કોઈ ગુનો કર્યો નથી. તેઓ પોતાની ખરાબ સ્થિતિના કારણે ભીખ માગવા મજબૂર થયા. હવે તેઓ ડિટેન્શન સેન્ટરમાં ફસાયેલા છે. આ સાથે જ અન્ય એક કામદારે જણાવ્યું કે, ભારતીય કામદારો છેલ્લા 4 મહિનાથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. તેમણે બધાએ જોયું છે કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઈન્ડોનેશિયા તથા શ્રીલંકાના કામદારોને તેમના દેશ તરફથી મદદ મળી રહી છે અને તેમને પરત મોકલવામા આવી રહ્યાં છે. જ્યારે ભારતીય કામદારો અહીં ફસાયેલા છે.

એક અહેવાલ અનુસાર, સામાજીક કાર્યકર્તા અને એમબીટી નેતા અમજદ ઉલ્લાહ ખાને કહ્યું કે,‘સ્થાનિક તંત્રએ તપાસમાં જાણ્યું કે કામદારોની વર્ક પરમિટ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે તેઓ ગેરકાયદે દેશમાં રહે છે, આ કારણે તેમને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામા આવ્યા છે.’

વાઈરલ વીડિયોમાં એક કામદારે કહ્યું કે,તેના ભાઈનું નિધન થયું છે અને તેની માતાની સ્થિતિ ગંભીર છે. તે ભારત પરત આવવા માગે છે. અમજદે પીએમ મોદી, વિદેશ મંત્રી એસ.જયશંકર, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરી તથા સાઉદી અરબમાં ભારતીય રાજદૂત આસિફ સૈયદને 450 ભારતીય કામદારો અંગે રજૂઆત કરતો પત્ર લખ્યો છે અને ભારતીય સરકારને ભારત લાવવામાં મદદ કરવા અપીલ કરી છે.

વિદેશ મંત્રાલયની હેલ્પલાઈન પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્રએ અમજદ ઉલ્લા ખાનની ટ્વિટનો જવાબ આપ્યો અને તમામ પ્રવાસીઓની માહિતી માગી. રિપોર્ટ અનુસાર, 2.4 લાખ ભારતીયોએ પરત આવવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે હાલ માત્ર 40 હજાર ભારતીયો પરત આવ્યા છે.

 

You cannot copy content of this page