Only Gujarat

Sports

અંતિમ શબ્દોએ ભલભલાને રડાવી દીઘા, જાણો કિશોરે કેમ આવું પગલું ભર્યું?

ભાર વગરના ભણતરની ગુલબાંગો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં એક કિશોરે ભણતરના બોજથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. તેણે થોડા દિવસ પહેલા જ નીટની પરીક્ષા આપી હતી. પરંતુ પરિણામ સારૂં નહીં આવે તેમ વિચારીને તળાવમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું. કિશોર મોડી રાતે લીંબડી તળાવમાં જ મોતની ડૂબકી મારી હતી. સ્થાનિક પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, લીંબડી ખારાવાસ વિસ્તારમાં રહેતો 18 વર્ષનો યશ બાબુભાઈ પરમાર 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો હતો. તે અચાનક પોતાના ઘરેથી ગાયબ થઈ ગયો. પરિવારે તેની શોધખોળ કરી. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. તે દરમિયાન આસપાસના લોકોને જાણ થઈ હતી કે યશે ગાયત્રી મંદિર પાસેના તળાવમાં ઝંપલાવ્યું છે.

ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ વિક્રમ કારડીયા, શાહરૂખ, જાહિદ બેલીમ, નરેશ ચૌહાણ, જગદિશ દેવીપૂજક, જયંતિ દેવીપૂજકે તળાવનાં પાણીમાં કિશોરના મૃતદેહની શોધખોળ કરી હતી. આશરે પાંચ કલાકની જહેમત બાદ યશ બાબુભાઈ પરમારનો મૃતદેહ શોધી કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ તેના મૃતદેહને તાત્કાલિક લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે તબીબોએ તે મૃત હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવની જાણ થતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ. સ્થાનિકોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઇ.

યશે મોતને ગળે લગાડ્યું તે પહેલા પોતાના પરિવારને સંબોધીને એક ચીઠ્ઠી લખી હતી. સ્યૂસાઇડ નોટમાં યશે ખૂબ લાગણીશીલ શબ્દો ઉતાર્યા હતા. તેણે લખ્યું હતું કે, ગુજકેટમાં જેવું પરિણામ આવ્યું તેવું પરિણામ નીટમાં આવશે તો? આ બીકથી મેં આ કર્યું છે. કોઇના દબાણમાં આવીને નથી કર્યું. મારી આખરી ઇચ્છા છે કે ચિંતનભાઇને કેપેબલ બનાવીને જ મમ્મી તું જપજે. તેના માટે તેની પાસેથી મોબાઇલ લઇ લેજો અને સાદો મોબાઇલ આપજો. હું તો તમારી ઇચ્છા પુરી ન કરી શક્યો, પણ તમે તો મારી અંતિમ ઇચ્છા પુરી કરજો. I am sorry mummy. તું અને ભાઇ બંન્ને હિંમત રાખજો અને આ દુનિયામાં વટથી જીવજો. I am Sorry ભાઇ.

યશનો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે. કારણ કે ભણતરના ભારથી બાળકો એટલા દબાઈ જતા હોય છે કે તેઓ પોતાનું જીવન ખોઈ બેસે છે અને પરિવાર પોતાના બાળકને. બીજી તરફ માતા-પિતાએ પણ બાળકો પાસે એટલી બધી અપેક્ષા ન રાખવી જોઈએ તે સંતાનો તેને પૂર્ણ ન કરી શકે. તમામની ક્ષમતા અલગ અલગ હોય છે અને ક્ષમતાને જોઈને માતા-પિતાએ બાળકોને ભણવા માટે આગ્રહ કરવો જોઈએ.

 

You cannot copy content of this page