Only Gujarat

Gujarat

ઘરમાં પુત્રના લોહીના ખાબોચિયા ભરાયા, ખુદ માતાએ કર્યું સાફ, ફિલ્મને પણ પાછળ પાડી દે તેવો કિસ્સો

સુરેન્દ્રનગરમાં ક્રાઈમની એક એવી ઘટના સામે આવી છે જે વાંચીને તમે હચમચી જશો. સાત મહિના પહેલા સુરેન્દ્રનગરના સાયલા નજીક થોરીયાળી ડેમમાંથી હત્યા કરેલી લાશ મળી આવવાની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે. દારૂની લત ધરાવતા પુત્રની હત્યાના કેસમાં યુવકના માતા-પિતા, ભાઇ અને ભાઇના સાળાની સંડોવણી સામે આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે યુવકની હત્યા બાદ આરોપીઓએ ઇલેકટ્રીક કટરથી હાથ પગ, માથુ કાપી નાખી મૃતકની ઓળખ છૂપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમની ચાલાકી ન ચાલી અને સાત મહિના બાદ તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે.

આ ઘટનાની વિગત એવી છે કે, ગત 27 જાન્યુઆરીએ સાયલા તાલુકાના થોરિયાળી ડેમના ઓગાનમાંથી 25થી 30 વર્ષના યુવાનની લાશ મળી આવી હતી. જોઈને જ રૂંવાડા ઉભા થઈ જાય તેવી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. કારણ કે, યુવાનના હાથપગ તેમજ માથું ધડથી અલગ કરી દેવાયાં હતાં. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પણ મૃતદેહ જોઈને ઘડીભર માટે થથરી ગઈ હતી. પોલીસ માટે મૃત યુવાનની ઓળખ મેળવવાનું ઘાસના ઢગલામાંથી સોય શોધવા જેવું અધરું હતું. કારણ કે, લાશ પાસેથી ઓળખની કોઈ નિશાની મળી નહોતી. છતાં પોલીસે તપાસ શરૂ કરી. દરમિયાન 3 દિવસ પછી 30 જાન્યુઆરીએ મદારગઢનો પરિવાર પોલીસ પાસે આવ્યો અને 30 વર્ષીય પુત્ર પથાભાઈ ઊર્ફ પથો સાગરભાઈ કટોસણા ગૂમ હોવાની ફરિયાદ નોંધાવી હતી. તપાસને અંતે મળી આવેલી લાશ પથો કટોસણાની હોવાની પુષ્ટિ થઈ ગઈ. તેની હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી.

શરુઆતમાં પુત્ર ગુમ થયાની ફરિયાદ કરવા આવેલો પરિવાર પોલીસની રડારમાં નહોતો. પરંતુ તપાસમાં પરિવાર વિરુદ્ધની કેટલીક કડીઓ મળતાં પોલીસે પરિવારની સંડોવણીની દિશામાં તપાસ શરૂ કરી. આખરે 7 મહિના પછી હત્યાકાંડનો ભેદ ઉકેલાયો. પોલીસે પથા કટોસણાની હત્યા કરવાના ગુનામાં માતા મધુબહેન સાગરભાઈ કટોસણા, પિતા સાગર સતાભાઈ કટોસણા, ભાઈ ઠાકરશી સાગરભાઈ કટોસણા તથા ઠાકરશીના સાળા માવજી મનુભાઇ મારૂણિયાની ધરપકડ કરી છે.

આરોપીઓએ કબૂલાતમાં જણાવ્યું કે પથો દારૂના નશામાં અવારનવાર માતાપિતા સાથે માથાકૂટ કરતો હતો. 27 જાન્યુઆરીએ માતા મધુબહેને પુત્રને ફોન કરીને પથો માથાકૂટ કરતો હોવાનું કહી ઘરે બોલાવ્યો હતો. આથી પુત્ર ઠાકરશી તેના સાળા માવજીને લઈને બાઇક પર મદારગઢ ગયો હતો. એ બંને ઘરે પહોંચ્યા ત્યારે પથો બહાર ગયો હતો. માતાપિતા હૈયાવરાળ ઠાલવતાં હતાં ત્યાં જ પથો બાઇક લઈને ફરી ઘરે આવ્યો. દારૂની લતથી પરિવાર એટલો કંટાળ્યો હતો કે પથાને આવતાં જોઈને પથાનું કાસળ કાઢી નાખવાનું કાવતરું રચી કાઢ્યું હતું.

પથો ડેલીમાં આવ્યો કે તરત જ ઠાકરશી અને માવજી લાકડી અને પાઇપ લઈ ફરી વળ્યા હતા. જોતજોતાંમાં પથો લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો હતો. પથો મોતને ભેટ્યો છે, તેની ખાતરી થઈ જતાં તેના મૃતદેહને સગેવગે કરવા માટે કટરની મદદથી તેના હાથ, પગ અને માથું કાપી નાખ્યાં હતા. તે સમયે આખું ઘર લોહીથી ભરાઈ જતાં ખુદ માતાએ પુત્રનું લોહી સાફ કર્યું હતું. બાદમાં પથાના હાથ-પગ જસાપર ડેમમાં જ્યારે ધડ થોરીયાળી ડેમમાં નાખી દીધાં હતાં અને માથું થાનના ચોરવીરા ગામની વાડીના બોરમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો. જો કે સાત મહિના બાદ પોલીસે આ કેસને સફળતાથી ઉકેલી આરોપી માતા-પિતા સહિત ચાર આરોપીઓને જેલ હવાલે કર્યા છે.

 

You cannot copy content of this page