Only Gujarat

Gujarat

ફુલ જેવા બે માસૂમ મુરઝાયા, દંપતીની હાજરીમાં વ્હાલસોયા દીકરા-દીકરીએ દમ તોડ્યો

વાપીમાં સર્જાયેલા એક ભયાનક અકસ્માતમાં પરિવારના બે બાળકોના કમકમાટીભર્યા મોત થતા પરિવાર વેરવિખેર થઈ ગયો. આ વિચિત્ર અકસ્માતમાં બે સંતાનો પૈકી પુત્રીને એક ટ્રકે કચડી નાખી. જ્યારે પુત્ર સ્ટેરિંગમાં દબાતા તેનું મૃત્યુ થયું. બીજી તરફ માતા-પિતાને પણ ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

હચમચાવનારી આ ઘટનાની વિગત એવી છે કે, વલસાડ શહેરમાં આવેલી સુગર ફેક્ટરી સામે રહેતા ભાનુશાલી પરિવારના ચાર સભ્યો ટેમ્પોમાં વલસાડ જવા નીકળ્યા હતા. તે દરમિયાન વાપી સર્વોદય હોટલની સામે એક અજાણ્યા વાહન ચાલકે ટેમ્પોને પાછળથી ટક્કર મારતા ટેમ્પો પલટી મારી ગયો હતો. જેમાં સાત વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત ત્રણ વર્ષીય બાળક અને દંપતિને હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા હતા તે સમયે બાળક મોતને ભેટ્યો હતો.

અટકપારડીમાં રહેતા અને વાપીમાં ફરસાણની દુકાનમાં નોકરી કરતા દિનેશભાઇ લક્ષ્મીદાસ ભાનુશાલી મંગળવારે રાબેતા મુજબ નોકરી પર ગયા હતા. સાંજે ટેમ્પોમાં સરીગામમાં ફરસાણ પહોંચાડ્યા બાદ પરત વલસાડ જવા નીકળ્યા હતા. પરત ફરતી વખતે પત્ની ભાવનાબેનનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ પુત્ર ઋષી અને પુત્રી અનન્યા સાથે વાપી તેમના સંબંધીના ઘરે આવ્યા છે. જેથી તેમની સાથે પરત ઘરે લઈ જવા માટે કહ્યું હતું. તેથી દિનેશભાઇ પત્ની અને બે સંતાનને વાપીથી ટેમ્પોમાં આગળ બેસાડી વલસાડ જવા રવાના થયા હતા. રાત્રે નવ વાગ્યાની આસપાસ વાપી સર્વોદય હોટલની સામે હાઇવે પરથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે સમયે પાછળથી એક અજાણ્યા વાહન ચાલકે ટેમ્પોને જોરદાર ટક્કર મારતા પલટી ગયો હતો.

અકસ્માતમાં સાત વર્ષીય બાળકી અનન્યાને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ ઉપર તેનું મૃત્યું થયું હતું. બીજી તરફ સ્થળ પર હાજર લોકોએ રસ્તા પર ગંભીર હાલતમાં પડેલા ત્રણ વર્ષીય ઋષીને તેમજ દંપતીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાની વ્યવવસ્થા કરી હતી. તે સમયે માસૂમે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. જ્યારે દંપતીને સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે ટેમ્પાને ટક્કર માર્યા બાદ અજાણ્યો વાહનચાલક વાહન લઇ ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માત રુંવાડા ઉભા કરી મુકી તેવો છે. પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો પાછળથી જોરથી ટક્કર લાગતા જ ટેમ્પોનો ડાબી બાજુનો દરવાજો ખુલી ગયો હતો. જેથી સાઇડ ઉપર બેઠેલી અનન્યા હાઇવે ઉપર દડાની જેમ ફેંકાઇ ગઇ હતી. તે જ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે તેને કચડી નાખતા તેનું સ્થળ ઉપર પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. જ્યારે બાળક પણ ગાડીના ડેસ્કબોર્ડ સાથે જોરદાર ટકરાયો હતો. જેથી તેને માથા તેમજ છાતી ઉપર ગંભીર ઇજા પહોંચી હતી. જેના કારણે તેને લોહીની ઉલ્ટી શરૂ થઇ હતી. લોકો તેને હોસ્પિટલ લઇ જાય તે પહેલા માસૂમ રસ્તામાં મોતને ભેટ્યો હતો.

ટેમ્પાને પાછળથી પૂર ઝડપે આવતા વાહને એટલી જબરદસ્ત ટક્કર મારી હતી કે, ટેમ્પો પલ્ટી ખાઇ ગયો હતો જેમાં આ બાળક સ્ટેયરીંગમાં ફસાઇ ગયો હતો. તેના ફેફસાનો ભૂક્કો બોલાઈ ગયો હતો. સ્મશાનગૃહમાં બાળકોના અંતિમ સંસ્કાર કરાયા ત્યારે ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીંજાઈ ગઈ હતી.

You cannot copy content of this page