Only Gujarat

Gujarat

જે દીકરાને પરિવાર 13 દિવસથી શોધી રહ્યો તો તેની લાશ ઘરની ટાંકમાંથી જ મળી આવી

એક માન્યામા ન આવે એવો કિસ્સો સામે આવ્યો છે. 13 દિવસથી ગુમ જુવાન દીકરાની લાશ તેના જ ઘરની પાણીની ટાંકીમાંથી મળી આવી છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી, અને પાણીના ટાંકામાંથી ભારે જહમત બાદ યુવાનના મૃતદેહને ટાંકામાંથી બહાર કાઢી પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં યુવાને આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આપઘાતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મઢી ગામમાં રાજુભાઈ બોઘાણી નામનો યુવાન 5 સપ્ટેમ્બરથી ગુમ હતો, આ મામલે પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસ અને પરિવાર યુવાનને છેલ્લા 13 દિવસથી શોધી રહ્યા હતા. આજે વહેલી સવારે પાણીમાં દુર્ગંધ આવતા પરિવારે ઘરની છત પર રાખેલી પાણીની ટાંકી ચેક કરતા દીકરાનો મૃતદેહ મળી આવ્યો હતો, મૃતદેહ જોઈ પરિવાર આગાતમાં સરીક ગયો હતો.

પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. સાથે આજુ બાજુ રહેતા પાડોશીઓના ટોલે ટોળે પણ ઉમટી પડ્યા હતા. ટાંકાનું ઢક્કન નાનું હોવાથી મૃતદેહ બહાર કાઢવો મુશ્કેલ હતો જેથી પોલીસે પાણીની ટાંકી કાપીને ભારે જહમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. ત્યારબાદ લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડી હતી.

યુવાન મઢી ગામના બજારમાં રાજ ઈલેક્ટ્રિકક નામની મોબાઈલ રીપેરીંગની દુકાન ચલાવતો હતો 5 સપ્ટેમ્બરે બપોરે 2.45 કલાકે કોઈને જાણ કર્યા વગર અચાનક નીકળી ગયો હતો, ત્યારબાદ પરિવારે પોલીસને જાણ કરી તમામ સગાસંબંધીઓ મિત્રો વગેરે જગ્યાએ તપાસ શરૂ કરી હતી, સાથે પોલીસને પણ જાણ કરી હતી. જે દીકરાને 13 દિવસથી પરિવાર શોધી રહ્યો હતો, તેનો મૃતદેહ ઘરના જ પાણીના ટાંકામાંથી મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મોત પાછળનું રહસ્ય હજુ જાણવા મળ્યું નથી. પરંતુ, યુવાને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

You cannot copy content of this page