Only Gujarat

Gujarat

આ ગુજરાતી બિઝનેસમેને વગર માર્કેટિંગે મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવી, આજે હજારો કરોડનું સામ્રાજ્ય

વેફરનું નામ પડે એટલે પહેલું નામ યાદ આવે બાલાજીનું. નમકીનની ટેસ્ટી દુનિયામાં રાજકોટની બાલાજી વેફર્સનો સ્વાદ લોકોને દાઢે વળગ્યો છે. બાલાજી વેફર્સ એ પેપ્સિકો જેવી વિદેશી કંપનીઓને હંફાવી રાખી છે. બાલાજીના મહેનતું માલિક ચંદુભાઈ વિરાણીએ આજે તેના થકી હજારો કરોડનું સામ્રાજ્ય ઉભું કર્યું છે. અબજોપતિ હોવા છતાં ચંદુભાઈ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે. આજે પણ તેઓ જૂના મિત્રો સાથે સમય ગાળે છે, લગ્ન પ્રસંગોમાં હાજરી આપીને તેમની સાથે ગરબે પણ ઘુમે છે અને પરિવારના બાળકોને પોતે જાતે વેફર તળીને ખવડાવે છે. અહીં તમને જણાવી રહ્યા છીએ ચંદુભાઈ વિરાણીની બીજી બાજુ, જે જાણીને તમને લાગશે કે ખરેખર આ મળવા જેવા માણસ છે.

વર્તમાન સમયમાં નમકીનની દુનિયામાં નેશનલ અને ઈન્ટરનેશનલ કંપનીઓ છે. એમાં ગુજરાતની બાલાજી વેફર્સે પોતાનું એક અલગ સ્થાન અને નામ બનાવ્યું છે. બાલાજી વેફર્સને ખરીદવા માટે દેશ-વિદેશની કંપનીઓ પડાપડી કરી રહી છે. બાલાજી વેફર્સની શરૂઆત અત્યંત નાના પાયે થઇ હતી અને આજે વેફર્સમાં બાલાજીનો કોઇ પર્યાય નથી. તેનું ટર્નઓવર 1800 કરોડથી વધુ છે.

મોટા ઉદ્યોગપતિ હોવા છતાં બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીના પગ ધરતી પર જ છે. ચંદુભાઈનું માનીએ તેઓ નાનપણમાં મિત્રો સાથે નદીએ નાહવા જતા હતા અને ઝાડ પર ચડવાની રમતો રમતા હતા. આ દોસ્તો સાથે તેઓ આજે પણ સંપર્કમાં છે. આ મિત્રો જ્યારે રાજકોટ આવે ચંદુભાઈને મળ્યા વિના જતા નથી. ચંદુભાઈ પણ તેમના નાના-મોટા પ્રસંગોમાં હાજરી આપે છે.

એટલું જ નહીં તેમના પ્રસંગમાં પરિવારના સભ્યની જેમ રાસ-ગરબામાં સામેલ થઇ જાય છે. ગામડામાં જે રીતે રાસ રમાય એ રીતે જ કાઠિયાવાડી રાસ રમતા જોઈને લોકોને નવાઈ લાગે છે. તેમને ટ્રેડિશનલ રાસનો શોખ છે, બાકી બીજો કોઈ ખાસ શોખ નથી. તેઓ એકદમ સરળ રીતે રહેવામાં માને છે. ચંદુભાઈ કહે છે કે, મિત્રો એ મિત્રો હોય છે. પૈસા આવ્યા એટલે હું તેમને છોડી દઉં એ યોગ્ય નથી. તેઓ મને ફોન કરે, હું પણ ફોન પર તેમના સંપર્કમાં રહું છું.

બહુ ઓછા લોકો જાણતા હશે કે એક સમયે તેઓ રાજકોટની એસ્ટ્રોન ટૉકીઝની કેન્ટીનમાં કામ કરતા હતા. ચંદુભાઈ પોતાનો ભૂતકાળ ભૂલ્યા નથી અને સામાન્ય લોકો સાથે પણ સામાન્ય વ્યક્તિની જેમ જ વર્તે છે. ભૂતકાળને વાગોળતા તેઓ કહે છે કે, જ્યારે એસ્ટ્રોનમાં નોકરી કરતો હતો એ સમયે મારી સાથે વિજયભાઈ શાહ નોકરી કરતા હતા અને ચંદુભાઈ ઠક્કરની રેકડી હતી. આજે પણ આ બંને સાથે ઘરે જઈને જમવાના સંબંધ છે. વિજયભાઈને રેડીમેડ ગાર્મેન્ટની દુકાન છે અને ચંદુભાઈ સેન્ડવિચની દુકાન ચલાવે છે. તેઓ એસ્ટ્રોન ટૉકીઝની કેન્ટીનમાં જોડાયા ત્યારે સૌ પહેલા 1974-1982 સુધી બહારથી વેફર લાવીને કેન્ટીનમાં વેચતા હતા.

1982થી ઘરે જ વેફર બનાવવાની શરૂઆત કરી હતી. પહેલા લોકો ખાસ આવી રીતે વેફર ખાતા ન હતા અને વિચારતા કે આ ક્યારે બનેલી હોય. રાજકોટમાં એ સમયે ગોરધનદાસ તાવડો રાખીને વેફર વેચતા હતા. ધીમે ધીમે અમારું વેચાણ વધ્યું તો આસપાસની દુકાનોમાં સપ્લાઇ શરૂ કરી અને પછી આખા શહેરમાં વેચાવા લાગી. વેચાણ વધતાં લાગ્યું કે હવે ઘરેથી પહોંચી શકાશે નહિ, એટલે 1989માં આજી GIDCમાં જગ્યા રાખી અને બેંક લોન લઈને પ્રોડક્શન શરૂ કર્યું. તેમના ભાઈ કનુભાઈને ટેક્નિકલ સમજ હતી એટલે 1992માં ઓટોમેટિક પ્લાન્ટ બનાવ્યો અને આજે હવે સમય પ્રમાણે તેમના અને તેમના ભાઈઓનાં સંતાનો નવી નવી ટેકનોલોજી અને માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી અને બિઝનેસને આગળ વધારી રહ્યા છે.

બાલાજી પરિવાર સાથે આશરે પાંચ હજાર 5000 કર્મચારી જોડાયેલા છે. ચંદુભાઈ માટે તેઓ કર્મચારીઓ નથી, પણ પરિવાર સમાન છે. તેમની નીતિ પહેલેથી જ એવી રહી છે કે સ્ટાફના કોઈને પણ ક્યારેય માગવા આવવું જ ન પડે એટલું તેમને આપી દે છે. તેઓ માને છે કે કર્મચારીએ માગવા આવવું પડે એ આપણી ઉણપ છે. કર્મચારીઓને તેઓ કમાઉ દીકરા માને છે. બાલાજી વેફર્સ ગ્રૂપ સ્ત્રી સશક્તિકરણની એક મિસાલ છે. કંપનીના સ્ટાફમાં 70 ટકા મહિલાઓ છે. ચંદુભાઈ વિરાણી કહે છે કે, પુરુષની સરખામણીએ મહિલામાં એકાગ્રતા વધારે હોય છે. તેમજ આપણી સંસ્કૃતિમાં તો મહિલાને રસોઈની રાણી કહેવાય છે. તેથી અમારે ત્યાં મહિલાઓને મોટી સંખ્યામાં કામ આપવામાં આવે છે.

એક સમયે પેપ્સિકોએ તબક્કાવાર બાલાજી વેફર્સ ખરીદવાની ઓફર કરી હતી. બરાક ઓબામા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેઓ ભારત આવ્યા હતા અને તેમની સાથે પેપ્સિકોનાં સીઈઓ ઈન્દ્રા નુયી પણ હતા. તેમણે ચંદુભાઈને મળવા માટે બોલાવ્યા હતા. પરંતુ તેઓ સ્વમાન ખાતર ન ગયા. મહત્વની વાત એ છે કે આજના ગળાકાપ સ્પર્ધાના જમાનામાં પણ ચંદુભાઇ માર્કેટિંગ કરતાં નથી. માર્કેટિંગ ટીમને સેલ શબ્દ બોલવાની પણ મનાઇ છે. છતાં આટલો ગ્રોથ શા માટે? પ્રશ્નનો જવાબ આપતાં ચંદુભાઇ કહે છે, માર્કેટિંગની જરૂર જ નથી. અમે માગ પ્રમાણે પ્રોડકશન વધારતા જઇએ છીએ. માગ ઊભી કરાવવાના પ્રયત્નો કરતા નથી. અમારી માર્કેટિંગની ટીમે ડીલરને સમયસર માલ પહોંચી જાય એટલું જ કરવાનું છે. તેમાં કોઇ ફરિયાદ ન આવવી જોઇએ.

ચંદુભાઇને મળો ત્યારે લાગે કે આટલો સાલસ અને નિખાલસ માણસ કઇ રીતે કટ્ટર કોમ્પિટિશનમાં સફળ રહી શક્યો હશે ? કદાચ, એ નિખાલસતા જ તેની સફળતાની ગુરુચાવી છે. ચંદુભાઇ હરીફ કંપનીઓના કર્મચારીઓને પણ હોંશપૂર્વક પોતાની ફેક્ટરી અને મશીનો સાથે રહીને બતાવે છે. અહીં બદ્ધું જ ખૂલ્લું છે. ચંદુભાઇને પોતાની પ્રોડક્ટ પર વિશ્વાસ છે, પોતાની મહેનત પર વિશ્વાસ છે.

હાલમાં Hurun India Rich list 2020એ ધનિકોની બહાર પાડેલી યાદીમાં બાલાજી વેફર્સના ત્રણેય ભાઈઓનો સમાવેશ કર્યો હતો. જેમાં ચંદુભાઈ વિરાણી 2,800 કરોડ, કાનજીભાઇ વિરાણી 2,800 કરોડ અને ભીખાભાઈ વિરાણી 3,300 કરોડના માલિક છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page