પહેલી જ વાર જુઓ રામમંદિરની ખાસ તસવીરો, હજારો વર્ષ સુધી મંદિરને કંઈ જ નહીં થાય

અયોધ્યાઃ રામમંદિરની આખો દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. અયોધ્યામાં રામમંદિરનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 48 લેયરના પાયાનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. ત્યારબાદ રામ ચબૂતરો બનશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે એક વર્ષ બાદ પહેલી જ વાર રામમંદિરની તસવીરો રિલીઝ કરી છે. પાયાનું કામ પૂરું થવા આવ્યું છે. બે જ દિવસનું કામ બાકી છે. વરસાદની વચ્ચે પણ કામ ચાલી રહ્યું છે.

ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે કહ્યું હતું કે 48 લેયર પર મંદિર બનાવવાથી તેની મજબૂતી 10 ગણી વધી ગઈ છે. આ મંદિર હજારો વર્ષ સુધી રહેશે. પાયા પર હવે પથ્થર નાખવાનું કામ શરૂ થશે અને આ પથ્થરો મિર્ઝાપુરથી મગાવવામાં આવ્યા છે. તેની પર રામ ચબૂતરો બનશે. ચબૂતરાની ઉપર મંદિર બનશે.

5 ઓગસ્ટ, 2020ના રોજ વડાપ્રધાન મોદીએ રામમંદિરનું શિલાપૂજન કર્યું હતું. ત્યારબાદ પાયાનું કામ શરૂ થયું હતું. ડિસેમ્બર, 2023 સુધી રામમંદિર બનીને તૈયાર થશે.

રામજન્મભૂમિ પર તસવીરો ક્લિક કરવી બૅન છે અને તેથી જ ટ્રસ્ટ જ તસવીરો રિલીઝ કરે છે. મહાસચિવે કહ્યું હતું કે રડાર સર્વેના માધ્યમથી મંદિર નિર્માણ સ્થળ પર ઊંડાણ સુધી કાટમાળ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ આ સ્થળનું ખોદકામ કરીને કાટમાળ તથા માટી હટાવ્યા બાદ મંદિરનો પાયો 400 ફૂટ લાંબો તથા 300 ફૂટ પહોળા નાખવાનું શરૂ થયું હતું. જાન્યુઆરી, 2021થી પાયાનું કામ ચાલે છે.

શરૂઆતના 75 દિવસ સુધી આ કામમાં 12 મીટર ઊંડાઈ પર સરયૂ નદીની રેતી મળી આવી હતી. આ સ્થળ પર 10 ઈંચ મોટા લેયરનું કામ ચાલતું હતું. પહેલાં 44 લેયર બનવાના હતા, પછી 48 લેયર બનાવવાનું નક્કી થયું. હાલમાં 47 લેયર બની ગયા છે. તેના પર ઉપર હવે પથ્થરોનું લેયર થશે. પછી ચબૂતરો બનશે. આ દરમિયાન ટ્રસ્ટે નક્કી કર્યું કે વિશ્વભરના રામભક્તો જાણી શકે કે રામમંદિરનું કામ કેવી રીતે ચાલે છે.

108 એકરની ભૂમિમાં 40 એકરમાં પાંચ ગુંબજો સાથે રામમંદિર બનશે. બાકીની જગ્યામાં શ્રીરામના જીવનનું ચિત્રણ જોવા મળશે. રામમંદિર બનાવવામાં 12 લાખ ઘનફૂટ પથ્થરની જરૂર પડશે. ત્રણ સ્તર પર બનતા આ પથ્થરોમાં થાંભલા સુધીની ઊંચાઈમાં 4 લાખ ઘનફૂટ, દીવાલમાં 4 લાખ ઘનફૂટ તથા મુખ્ય મંદિરમાં 4 લાખ ઘનફૂટથી થોડાં વધારે પથ્થર જોઈશે.

મંદિરના પાયાથી લઈ નિર્માણમાં એન્જિનિયરિંગની ખાસ એક્સપર્ટ ટીમ છે. નિર્માણમાં CDRI રૂડકી, IIT ચેન્નઈ, IIT પૂના, IIT મુંબઈ, ટાટા એન્જનિયરિંગ સર્વિસ તથા એલ એન્ડ ટી, NGRI હૈદરાબાદ જેવી જાણીતી સંસ્થાના એક્સપર્ટ કામે લાગ્યા છે. 2023 સુધી મંદિરના ગર્ભગૃહમાં ભગવાન રામને વિરાજમાન કરવાનું લક્ષ્ય છે.

You cannot copy content of this page