Only Gujarat

National

ચોરી કરવા ચોરોએ અપનાવ્યો નવો જુગાડ, CCTV જોઈ પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

દેશના અનેકવિધ રાજ્યોમાં જે બુલડોઝરનો ઉપયોગ ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે થાય છે, તે જ બુલડોઝરનો ઉપયોગ કરીને કેટલાક ચોરો એક આખું ATM મશીન ઉપાડી ગયા. આ ઘટના મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાની છે. બુલડોઝરની મદદથી ATM ને લઇ જવાની આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. કેમેરાની ફૂટેજમાં બુલડોઝરને સ્પષ્ટપણે ATM મશીન ઉખાડીને ફેંકી દેતું જોઇ શકાય છે.

આ આખી ઘટના સાંગલી જિલ્લાના મિરાજ તાલુકાની છે. શનિવારની બપોરે 12.30 વાગ્યે આગ્રા ચોક સ્થિત એક્સિસ બેન્કના ATMને ચોરો બુલડોઝરની મદદથી ઉઠાવી ગયા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, ચોરોએ પહેલા પેટ્રોલ પંપમાંથી બુલડોઝરની ચોરી કરી હતી અને પછી તેની મદદથી એટીએમ ચોરી કરી લીધું હતું. તેમણે બુલડોઝર દ્વારા આખા ATM ને તોડી-ફોડી નાખ્યું. મળતી માહિતી મુજબ આ ઘટના સમયે ATM મશીનમાં 27 લાખ રૂપિયા હતા.

બુલડોઝરથી ATM મશીન ઉખેડી નાખવાનો સૌપ્રથમ કિસ્સો
ચોરીની આ અજીબોગરીબ હરકત જોઈને પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. દેશનો સંભવતઃ આ પહેલો કિસ્સો છે જ્યાં બુલડોઝરની મદદથી ATMની ચોરી થઈ હોય. જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં એક વ્યક્તિ ATMની અંદર જાય છે પછી તે બહાર જાય છે. જે પછી અચાનક બુલડોઝર સીધું જ ATMમાં આવતું જોવા મળે છે.

આ ઘટનાના કેટલાક કલાકો બાદ પોલીસને આ વાતની જાણ થતાં આ મામલે હાલ સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. વિશેષ વાત એ છે કે, ATM સેન્ટરની બહાર ના તો કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા કે ના તો ત્યાં કોઈ ગાર્ડ ગોઠવાયેલો હતો. વહેલી સવારે આ મશીનમાં રોકડ રકમ પણ જમા કરવામાં આવી હતી.

હાલ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ ચોરીની ઘટના પાછળ આ પૈસાની જાણકારી ધરાવનાર કોઇ વ્યક્તિનો જ હાથ છે. ATM ઉપાડ્યા બાદ આરોપીઓએ બુલડોઝર વડે તેને ત્રણ ભાગમાં તોડી નાખ્યું હતું અને ત્યારબાદ તેમાં રાખેલા કેશ બોક્સને ઉડાવીને ગાયબ થઈ ગયા હતા. પોલીસને સવારે લક્ષ્મી રોડ પર તૂટેલું ATM મશીન મળી આવ્યું હતું.

You cannot copy content of this page