Only Gujarat

National

સિંગર એસપી બાલાસુબ્રમણ્યણના અંતિમ દર્શન માટે જામી લોકોની ભીડ, જુઓ તસવીરો

મુંબઈ/ચેન્નાઈઃ શાનદાર અવાજ થકી 5 દાયકા સુધી લાખો દિલો પર રાજ કરનારા જાણીતા સિંગર એસપી બાલાસુબ્રમણ્યમના શનિવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા. લોકો પોતાના ફેવરિટ સિંગરના અંતિમ દર્શન માટે આવવા લાગતા ભીડ જામી હતી. આ ભીડ પર કાબુ મેળવવા પોલીસ ફોર્સ તૈનાત કરવામા આવી હતી.

સ્વ. બાલાસુબ્રમણ્યમના અંતિમ સંસ્કાર ચેન્નાઈના તિરુવલ્લુર જીલ્લાના થમરાઈપક્કમ સ્થિત તેમના રેડ હિલ્સ ફાર્મહાઉસ પર કરવામાં આવ્યા હતા. 74 વર્ષીય સિંગરનું શુક્રવારે એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. ઓગસ્ટમાં કોરોના વાઈરસથી સંક્રમિત થયા બાદથી જ તેમની સારવાર ચાલી રહી હતી.

સિંગરની અંતિમયાત્રા અગાઉ સંપૂર્ણ તિરુવલ્લુરમાં સુરક્ષા વધારવામા આવી હતી. જીલ્લામાં એસપી અરવિંદને જણાવ્યું કે, સિંગરની અંતિમ યાત્રા માટે 500 જેટલા પોલીસકર્મીઓને તૈનાત કરવામા આવ્યા છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસને પણ એલર્ટ પર રાખવામા આવી છે જેથી સામાન્ય લોકોને સમસ્યાઓનો સામનો કરવા ના પડે. દિગ્ગજ ડિરેક્ટર ભારતીરાજા પણ અંતિમયાત્રા માટે આવ્યા હતા. સિંગર માનો અને એક્ટર વિજય પણ ચેન્નાઈમાં એસપીના અંતિમ સંસ્કારમાં આવ્યા હતા. આ અગાઉ નંગમબક્કમ નિવાસ પર એસપીના પરિવારજનોએ તેમને અંતિમ વિદાય આપી હતી.

એસપીએ પોતાના કરિયરમાં 16 ભાષાઓમાં 40 હજાર ગીતોને પોતાનો અવાજ આપ્યો. જેમાં હિન્દી સિનેમાના રોમાન્ટિક, જોશીલા અને મસ્તીથી ભરપૂર ગીતોને આવનારા દાયકાઓ સુધી યાદ રાખવામા આવશે. સ્વ. બાલાસુબ્રમણ્યમે હિન્દી સિનેમામાં કરિયરનો પ્રારંભ 1981માં કમલ હસન પર ફિલ્માવેલા ગીત ‘એક દૂજે કે લિયે’ થકી કર્યો હતો. તે પછી તેમણે ઘણા બોલિવૂડ ગીતો ગાયા હતા.

હિન્દીથી વધુ તેમણે તામિલ અને તેલુગુ ફિલ્મ્સ માટે ગીતો ગાયા, પરંતુ તે 1980 અને 1990ના દાયકામાં રોમાન્ટિક બોલિવૂડ ગીતો માટે જાણીતા થયા.

એસપીએ અંતિમ વખત શાહરૂખ ખાનની ફિલ્મ ‘ચેન્નાઈ એક્સપ્રેસ’માં એક ગીત ગાયું હતું. બાલાએ બોલિવૂડમાં સલમાન ખાનની ઘણી ફિલ્મ્સ માટે ગીતો ગાયા. તેમણે ‘મેરે રંગ મે રંગનેવાલી’, ‘પહલા પહલા પ્યાર હૈ’, ‘મૌસમ કા જાદૂ’ અને ‘હમ આપ કે હૈ કોન’ સહિતના ગીતોને અવાજ આપ્યો.

6 વખત નેશનલ એવોર્ડ જીતનારા એસપીને ‘એક દૂજે કે લિયે’ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. આ બોલિવૂડમાં તેમનું પ્રથમ ગીત હતું. બાલાસુબ્રમણ્યમના નિધનના કારણે ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ અને તેમના ફેન્સ પણ દુઃખી છે. રજનીકાંત, સલમાન ખાન, અક્ષય કુમાર સહિતના ઈન્ડસ્ટ્રીના લોકોએ એસપીના નિધન પર શોક વ્યક્ત કરતા શ્રદ્ધાંજલી આપી હતી.

You cannot copy content of this page