મોટી પાનેલીના બ્રાહ્મણ પરિવારના પિતા-પુત્રનું હચમચાવી દેતું મોત, કારમાંથી ફુલહાર મળી આવ્યા

નવરાત્રિના પહેલા દિવસે સૌરાષ્ટ્રમાંથી માઠા સમાચાર સામે આવ્યા છે. ગોંડલ-જુનાગઢ હાઈવે પર ગુંદાળા ગામ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ઉપલેટાના મોટી પાનેલી ગામના વિપ્ર પરિવારના પિતા-પુત્રના મોત થતાં હાહાકાર મચી ગયો.

નવરાત્રિના પ્રથમ દિવસે જ આ કરૂણાંતિકા સર્જાતા આ વિસ્તારમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ. અકસ્માત એટલો જબરદસ્ત હતો કે કારનું પડીકું વળી ગયું. કારમાંથી ફૂલહાર અને પૂજાની સામગ્રી પણ મળી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

આ દુઃખદ બનાવની વિગત એવી છે કે ગોંડલ-જૂનાગઢ હાઇવે પર ગુંદાળા ગામ નજીક કારને અજાણ્યા વાહન ચાલકે ઉડાવતા આ હાઇવે રકતરંજીત બની ગયો. હાઈવે પર GJ03AB5461 આરટીઓ રજિસ્ટ્રેશન નંબર ધરાવતી મારૂતિ 800 કારને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અકસ્માત એટલે ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારની સ્થિતિ જોતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અકસ્માતના આ બનાવમાં ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના રાજભાઇ કાંતિભાઇ ઠાકર (ઉ.વ.55) અને તેમના પુત્ર કશ્યપ રાજભાઇ ઠાકર (ઉ.વ. 28)નું મૃત્યું થયું છે.

આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ અકસ્માતમાં કારમાંથી ફૂલહાર સહિત પૂજાની સામગ્રી મળી આવેલ છે. આ ઉપરાંત તેમણે ઝભ્ભો પણ પહેર્યો હતો. જેથી મૃતક પિતા-પુત્ર કોઇ દેવ સ્થાને પૂજન વિધી કરવા માટે અથવા તો દર્શન કરવા જતા હોય તેવી સંભાવના છે. અકસ્માતના ફોટો અને વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

પોલીસ કાફલાએ ઘટના સ્થળે પંચનામાની કાર્યવાહી કર્યા બાદ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનામાં અજાણ્યો વાહન અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. તેને શોધવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ બ્રહ્મ સમાજમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ છે.