Only Gujarat

Bollywood

અમુક લોકો જ કરી શકે એવું વ્રત અજય દેવગને પૂરું કર્યું, વાંચીને જ તમે કહેશો- ‘વાહ સિંઘમ’

સોશિયલ મીડિયા પર કાળા કપડા પહેરેલા, માથા પર તિલક અને ગળામાં માળા પહેરેલો અજય દેવગનનો ફોટો વાયરલ થતાં જ ફેન્સને લાગ્યું કે આ તેની આગામી ફિલ્મનો લુક છે, પરંતુ આ અજયનો અયપ્પા સ્વામીના દર્શન માટે કરવામાં આવેલું વ્રત હતું. અજય દેવગને પહેલા 41 દિવસના ઉપવાસ કર્યા. તેના પછી તે બુધવારે કેરળના સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યા. સબરીમાલામાં ભગવાન અયપ્પાના દર્શનની ઈચ્છા રાખનાર લોકોને પહેલા 41 દિવસ સુધી કઠોર ધાર્મિક અનુષ્ઠાન કરવું પડે છે. તેને ‘મંડલમ’ કહેવામાં આવે છે.

પૂજારીઓએ આપ્યો પ્રસાદ અને સન્માન
દર્શન પહેલા કડક નિયમોનું પાલન કરવું પડે છે. અજયે પૂજા-અર્ચના પછી તુલસીની માળા પહેરી છે. આવનાર ઘણા દિવસ સુધી અજય બ્લેક આઉટફિટમાં જોવા મળશે. પૂજા પછી અજય દેવગન સીધો કામ પર પરત ફરશે. તેને ડબિંગ સ્ટૂડિયોની બહાર સ્પોટ કરવામાં આવ્યો, જ્યાંથી તે એ જ લુકમાં હતો, જેમાં તેને પૂજા કરી હતી. અજયે પગમાં જૂતા પણ નહોતા પહેર્યા.

મંદિરમાં દર્શન કરવાનો કડક નિયમો છે
સબરીમાલા આવતા પહેલા તમામ સાંસારિક બંધનો છોડીને 41 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. આ દિવસોમાં વાદળી અથવા કાળા કપડા જ પહેરવા પડે છે. ગળામાં તુલસીની માળા રાખવાની હોય છે અને સાદું ભોજન આખા દિવસમાં માત્ર એક જ વાર ખાવાનું હોય છે. સાંજે પૂજા કરવાની હોય છે અને જમીન પર સૂવાનું હોય છે.

આ વ્રતની પૂર્ણાહુતિ પર ગુરુ સ્વામીના માર્ગદર્શન હેઠળ પૂજા કરવાની હોય છે. મંદિર યાત્રા દરમિયાન માથા પર ઈરુમુડી રાખવાની હોય છે એટલે કે બે થેલી અને એક થેલો. એકમાં ઘીથી ભરેલું નારિયેળ અને પૂજા સામગ્રી હોય છે તેમજ બીજામાં ભોજન સામગ્રી હોય છે. આ લઈને તેને શબરી પીઠની પરિક્રમા પણ કરવાની હોય છે, ત્યારે જઈને 18 પગથિયાં ચઢીને મંદિરમાં પ્રવેશ મળે છે.

સબરીમાલા મંદિરમાં દર્શનની પ્રક્રિયા
સબરીમાલા મંદિર શ્રદ્ધાળુઓ માટે વર્ષમાં માત્ર નવેમ્બરથી જાન્યુઆરી સુધી ખુલ્લું રહે છે. બાકીના મહિના તેને બંધ રાખવામાં આવે છે. અત્યારે તેને 29 ડિસેમ્બરેના રોજ ખોલવામાં આવ્યું, તે 14 જાન્યુઆરી સુધી ખુલ્લુ રહેશે. વ્રત કરનારને પહેલા પંપા ત્રિવેણીમાં સ્નાન અને દીવો પ્રગટાવીને નંદીમાં પ્રવાહિત કર્યા પછી જ સબરીમાલા મંદિરમાં જવાનું હોય છે. પંપા ત્રિવેણી પર ભગવાન શ્રીગણેશની પૂજા પછી જ ભક્તો ચઢવાનું શરૂ કરે છે.

પ્રથમ પડાવ શબરી પીઠમ નામની જગ્યા છે. માન્યતા છે કે અહીં રામાયણ કાળમાં શબરી નામની ભીલનીએ તપસ્યા કરી હતી. શ્રી અય્યપ્પાના અવતાર પછી જ શબરીને મુક્તિ મળી હતી. તેની આગળ શરણમકુટ્ટી નામની જગ્યા આવે છે. પહેલી વખત આવતા ભક્તો અહીં પર તીર ખેંચે છે. મંદિરમાં જવા માટે બે રસ્તા છે. એક સામાન્ય રસ્તો અને બીજો 18 પવિત્ર પગથિયાં ચઢવાના હોય છે. જે લોકો મંદિર આવવાના પહેલા 41 દિવસ સુધી કઠોર વ્રત કરે છે તેઓ જ આ પવિત્ર પગથિયાં થઈને મંદિરમાં જઈ શકે છે.

18 પવિત્ર પગથિયાં પાસે ભક્તો ઘીથી ભરેલું નારિયેળ ફોડે છે. તેની પાસે જ એક હવન કુંડ છે. ગૃહાભિષેક માટે લાવવામાં આવેલા નારિયેળનો એક ટુકડો પણ આ હવન કુંડમાં નાખવામાં આવે છે અને એક ભાગ ભગવાનના પ્રસાદ તરીકે લોકો પોતાના ઘરે લઈ જાય છે. સબરીમાલા મંદિરમાં ભગવાનની પૂજાનો એક પ્રસિદ્ધ અંશ ઘીનો અભિષેક કરવાનો છે. શ્રદ્ધાળુઓ દ્વારા લાવવામાં આવેલું ઘી બધાને પહેલા એક ખાસ વાસણમાં એકત્રિત કરવામાં આવે છે, પછી તે ઘીથી ભગવાનને અભિષેક કરવામાં આવે છે.

અમિતાભ બચ્ચન પણ આ વ્રત કરી ચૂક્યા છે
વિવેક ઓબેરોય અને અમિતાભ બચ્ચન પણ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના આશીવાર્દ લઈ ચૂક્યા છે. બિગ બીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વ્રત દરમિયાન તેમણે 41 દિવસ સુધી સન્યાસી જીવન વ્યતીત કર્યું હતું. આ 1984ની વાત હતી, જ્યારે અમિતાભે ઉગાડા પગે સબરીમાલાની યાત્રા કરી હતી. વિવેક ઓબેરોય પણ હંમેશાં સબરીમાલા મંદિર જાય છે અને વ્રતનું પાલન પણ કરે છે.

You cannot copy content of this page