Only Gujarat

FEATURED National

કેરળ પ્લેન દુર્ઘટના: ગર્ભવતી પત્ની પાયલટ પતિની જોઈ રહી હતી રાહ પણ….

એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનાએ મથુરા નિવાસી કો-પાયલટ અખિલેશ શર્માનાં પાસેથી પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. અખિલેશની પત્ની મેઘા ગર્ભવતી છે અને 10 દિવસ બાદ તેની ડિલીવરી થવાની છે. પરિવારમાં ખુશીઓ મનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી, પરંતુ તે પહેલાં અખિલેશનાં મોતનાં સમાચાર સામે આવ્યા છે. તેનાંથી પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. પરિવારનાં લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યોકે, અખિલેશ હવે દુનિયામાં રહ્યો નથી.

ગોવિંદનગર ક્ષેત્રનાં પોતરા કુંડ નિવાસી 32 વર્ષનાં અખિલેશ કુમાર ભારદ્વાજ ઉર્ફે દીપક પુત્ર તુલસીરામ એરઈન્ડિયામાં કો-પાયલટ હતા. શુક્રવારે કેરળનાં કોઝિકોડ સ્થિત કરીપુર એરપોર્ટ પર એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટનામાં તેનું મોત થયુ હતુ. મોતનાં સમાચર મળતા જ પરિવારમાં રોક્કળ થઈ ગઈ હતી.

અખિલેશ શર્મા 2017થી કો-પાયલટનાં રૂપમાં કાર્યરત હતા. વર્તમાનમાં વંદે ભારત મિશન હેઠળ વિદેશમાં ફસાયેલાં ભારતીયોને લાવવાનું કામ કરી રહ્યા હતા. અખિલેશનાં મોતથી પરિવારનાં લોકો શોકમાં છે.

અખિલેશ શર્માનાં લગ્ન વર્ષ 2018માં ધોલપુરમાં રહેતી મેઘા શર્મા સાથે થયા હતા. તેમની પત્ની ગર્ભવતી છે અને 15-20 દિવસમાં ડિલીવરી થવાની છે. તેના કારણે પરિવારનાં લોકોએ મેઘા શર્મા સુધી અખિલેશનાં મોતનાં સમાચાર આપ્યા નથી.

ફક્ત એટલું જ કહ્યુ છેકે, પ્લેન દુર્ઘટનામાં તેનો પતિ ઘાયલ થયો છે. અને તેનાં ત્યાં તેનો દિયર ભુવનેશ રવાના થઈ ગયો છે. અખિલેશની માતા બાલાદેવીની રોઈ-રોઈને ખરાબ હાલત થઈ ગઈ છે.

મામા કમલે જણાવ્યું કે, બહેન બાલાદેવીની તબિયત ઘણીવાર ખરાબ રહે છે એટલે પરિવારનાં લોકો તેને સંભાળવામાં લાગેલાં છે. ભુવનેશની સાથે તેની બહેન ડૉલીનાં પતિ સંદીપ પણ ગયા છે. અખિલેશનાં ત્રીજા ભાઈ લોકેશ ઘરે જ છે. અખિલેશ ભાઈઓમાં સૌથી મોટા હતા.

નોંધનીય છે કે, રાજ્યના કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન રન-વે પર લપસી ગયું હતું, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ક્રેશ થઈને વિમાનના બે ટૂંકડા થઈ ગયા હતા. આ ઘટનામાં બંને પાયલોટ સહિત 20 લોકના મોત નિપજ્યા છે.

You cannot copy content of this page