Only Gujarat

Gujarat

દીકરા-વહુના મોતથી પરિવાર ભાંગી પડ્યો, માતાનું કરુણ આક્રંદ, જોનારા પણ રડી પડ્યા

એક બનાવે અમદાવાદીઓને હચમચાવી દીધા છે. ગયા શનિવારની મોડી રાત્રે જ્યારે અમદાવાદીઓ ગાઢ નિદ્રામાં પોઢી ગયા હતા ત્યારે એક ભયંકર અકસ્માતમાં નવપરિણીત દંપતીનું ધ્રુજાવી દેતું મોત થયું હતું. શહેરના સોલા ઓવરબ્રિજ પર ઓવરસ્પીડમાં જતી સ્વિફ્ટ ડિઝાયર કારે ટીવીએસ જ્યુપિટર પર જઈ રહેલા યંગ કપલને પાછળથી જબરદસ્ત ટક્કર મારી હતી. કારની ટક્કર એટલી ખતરનાક હતી કે સ્કૂટર પહેલા અનેક ફૂટ સુધી ઢસડાયું હતું અને પછી પતિ-પત્ની ઊછળીને બ્રિજની નીચે પટકાયાં હતાં. બંને અંદાજે 50-60 ફૂટના અંતરે પટકાયાં હતાં. બીજી તરફ, ટક્કર મારનાર કાર પણ પલટી થઈને બ્રિજ પર અંદાજે 100 ફૂટ સુધી ઢસડાઈ હતી. નીચે પટકાયેલાં પતિ-પત્નીનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં, ડ્રાઈવર કાર મૂકીને ભાગી ગયો હતો. લોકોએ મૃતદેહો પાસેથી પૈસા પણ ચોરી લીધા હતા.

અમદાવાદના ચાંદખેડામાં આસ્થા સ્ક્વેર સોસાયટીમાં રહેતા હસમુખભાઇ રામજીભાઇ વાણિયા પોલીસમાં ASI પદેથી રિટાયર થયા છે. પરિવારમાં બે મોટી દીકરી અને એક નાનો દીકરો દ્વારકેશ હતો. 34 વર્ષીય દીકરા દ્વારકેશના બે મહિના પહેલાં 28 માર્ચના રોજ હર્ષદભાઈ મેકવાનની 32 વર્ષીય દીકરી જુલી સાથે લગ્ન થયા હતા. દ્વારકેશ વાણિયા આસ્થા મોટર્સ નામનો ટૂ-વ્હીલરનો શોરૂમ ચલાવતો હતો. નવપરિણીત કપલે હસીખુશીથી નવી જિંદગી શરૂ કરી હતી. બંનેએ અનેક સપનાં સજાવ્યા હતા.

દરમિયાન લગ્નના બે મહિના પૂરા થતાં એનિવર્સરી પર કપલ SG હાઈવે પર નવું ખરીદેલું ટીવીએસ સ્કૂટર લઈને ડિનર પર નીકળ્યું હતું, જ્યાં બંનેએ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો, પણ કપલને ક્યાં ખબર હતી કે તેમની જિંદગીની આ છેલ્લી ઘડીઓ ગણાઈ રહી છે. રાત્રે કપલ સ્કૂટર પર બેસીને ઘરે જવા નીકળ્યું હતું. કપલ જેવું સોલા ઓવરબ્રિજ પર પહોચ્યું કે પાછળથી આવતી સ્વિફ્ટ ડિઝાયર કાર (નંબર-GJ01 KP 9398)એ ધડામ દઈને ટક્કર મારી હતી.

કારે એટલી ભયંકર રીતે ટક્કર મારી હતી કે સ્કૂટર રોડ પર અનેક ફૂટ સુધી ઢસડાયું હતું. બે ઘડી કંઈ સમજે એ પહેલાં દ્વારકેશ પણ બ્રિજ નીચે પટકાયો હતો. દ્વારકેશ બ્રિજ ઉપરથી નીચે પડ્યો એ પહેલાં સાઈડની પાળી પર લાગેલા એક ફુટના બોલ્ટ સાથે ઘસાયો હતો. આ કારણે તેનું પેટ ફાટીને આંતરડાં બહાર આવી ગયાં હતાં. બોલ્ટ પર તેના શર્ટનો એક ટુકડો પણ ચોંટી ગયો હતો. નીચે પડેલા દ્વારકેશનું ત્યાં ને ત્યાં જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બે સેકન્ડ બાદ જુલી ઊછળીને બ્રિજની નીચે માથાભેર પટકાઈ હતી.

દ્વારકેશ અને જુહીનો મૃતદેહ ઘરે આવતા જ પરિવાર ભાંગી પડ્યો હતો. બંનેના બે મહિના પહેલા જ લગ્ન થયા હતા. દ્વારકેશને શેરવાની અને જુલીને પાનેતર ઓઢાડી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંગે માતાએ કરુણ આક્રંદ સાથે જણાવ્યું હતું કે મારી રાધે-શ્યામની જોડી ઘડીકમાં વિખેરાઈ ગઈ. જેણે આ કર્યું છે તેને કુદરત માફ નહીં કરે. સરકારને વિનંતી છે કે મારી આંતરડી કકળી એવી બીજી કોઈ માની ના કકળે. એના સિવાય મારી પાસે બીજા કોઈ શબ્દ નથી. આટલું કહેતાં જ તેમને ડૂમો ભરાઈ આવ્યો હતો અને વધુ કંઈ બોલી નહોતાં શક્યાં.

દ્વારાકેશનાં પરિણીત મોટા બહેન શીતલબેને ભાવુક થઈને કહ્યું કે દ્વારકેશ તો અનમોલ રતન હતો પણ એની સાથે જોડાયેલી વ્યક્તિ હતી જુલી, એ અનમોલ રતનને પણ અમે ગુમાવ્યું છે. એનું વ્યક્તિત્વ સારું હતું. એ એની સારાઈ ફક્ત બે મહિનામાં મૂકીને ચાલી ગઈ. અમારી પાસે એની ફક્ત યાદો સિવાય કશું જ નથી. અમે જુલી માટે જેટલું કહીશું એટલું ઓછું છે પણ એટલું છે કે એ બંને એકબીજા માટે બન્યા હતા અને એકબીજા સાથે ગયા છે.

દ્વારાકેશનાં પરિણીત મોટા બહેન શીતલબેને ભાવુક થઈને કહ્યું, હિટ એન્ડ રનનો કેસ બને છે, એમાં જે મૃતકનો પરિવાર લાચાર બને છે તેમને કાયદાકીય રીતે એટલો ન્યાય આપો કે હવે પછી એક્સિડન્ટ કરીને ભાગવાવાળાને ખબર પડે કે તમારી એક નાની પાંચ કે દસ મિનિટની ભૂલ સામેવાળા પરિવારનું બધું છીનવી લે છે. આ જેણે પણ કર્યું છે તેની સામે સખત પગલાં લઈ અમને ન્યાય અપાવો. સામેવાળાની પાંચ મિનિટની ભૂલમાં અમારો આખો પરિવાર બરબાદ થઈ ગયો. ફરી આવા કેસ ના થાય એટલે આનું સખત પરિણામ લાવી અહી જ સ્ટોપ કરવા વિનંતી છે.

અકસ્માત સર્જનારી વ્યક્તિની કેટલી લાપરવાહી હશે? આના કરતાં મર્ડર કરવાવાળી વ્યક્તિ મર્ડર કરે છે એ પણ સરળ હશે. આ ઘટના જે વ્યક્તિથી બની છે તેને એટલી સખત સજા મળે કે આ જ પછી રસ્તામાં કોઈ વાહન લઈને નીકળે તો તેને પણ એ જ વિચાર આવે કે મારાથી આ ભૂલ ના થવી જોઈએ. જેણે આ કર્યું છે તે જ્યાં હશે, જીવશે ત્યાં સુધી પળે પળે રિબાઈને મરશે. જીવનમાં એ વ્યક્તિ જ્યારે પણ પોતાને જોશે ત્યારે તેને લાગ્યા કરશે કે આના કરતાં હું મરી ગયો હોત તો સારું હતું.

દ્વારકેશના મિત્ર સ્વપ્નેશ નાગરે ચોંકાવનારો આરોપ પણ મૂક્યો હતો. તેણે કહ્યું હતું, ‘અમને પાછળથી ખબર પડી કે દ્વારકેશ જ્યાંથી જમીને નીકળ્યો એના અડધો કલાક પહેલાં જ એક ડીલ કરી હતી, જેનું 80-90 હજાર રૂપિયાનું પેમેન્ટ પણ તેની પાસે હતું. દ્વારકેશ નીચે પડ્યો ત્યારે રૂપિયા વેરાઈ ગયા. એ વખતે પબ્લિકે પણ લાભ લીધો હતો. એક્સિડન્ટ કરવાવાળાએ તો કર્યું, પરંતુ એવા સમયે કોઈએ એના પૈસા અને મોબાઇલની પણ ચોરી કરી લીધા હતા.

You cannot copy content of this page