Only Gujarat

International

આ પૈસાદાર દેશમાં મફતમાં મળી રહ્યું છે ઘર અને નોકરી, 3 હજાર લોકોએ કરી અરજી

મેડ્રિડઃ કોરોના મહામારીને કારણે એક તરફ લોકોની નોકરીઓ જઈ રહી છે ત્યારે સ્પેનમાં એક શહેર એવું છે જ્યાં લોકોને મફતમાં ઘર મળી રહ્યું છે અને સાથે નોકરી પણ. મેડ્રિડના પૂર્વમાં ગ્રિગોસનો નાનો વિસ્તાર છે, જ્યાં 138 લોકો રહે છે. એક સમયે અહીં બીજા શહેરોની જેમ મોટા પ્રમાણમાં લોકો રહેતા હતા. પરંતુ ધીમે-ધીમે લોકો મોટા શહેરમાં સ્થળાંતરિત થવા લાગ્યા અને અંતે શહેરમાં લોકોની સંખ્યા સાવ ઘટી ગઈ.

શહેરને ફરી લોકોથી ભરવા તંત્રએ એક જાહેરાત આપી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે તમને કિચન અને રેસ્ટોરાંમાં કામ કરવાની ઓફર આપીએ છીએ. જો તમે ગ્રિગોસ હોટલ-રેસ્ટોરાંને મેનેજ કરી શકો તો પણ સારું છે.’ આ ઉપરાંત અહીં વર્ક ફ્રોમ હોમની સુવિધા પણ છે. જાહેરાતમાં લખ્યું છે કે,‘જો તમે ઘરેથી કામ કરનારા લોકોમાંથી છો તો તમે ટેલિકોમ્યુટ કરી શકો છો.’

અહીં લોકો માટે રહેવાની સાથે નોકરીની વ્યવસ્થા પણ થઈ જશે. જોકે આ સુવિધા પ્રારંભિક 3 મહિના માટે છે, 3 મહિના બાદ તમારે મકાનનું ભાડું આપવાનું રહેશે. આ સુવિધા માત્ર એવા લોકોને મળશે, જેમના બાળકો છે અને તેમને સ્થાનિક શાળામાં ભણાવવા માતા-પિતા તૈયાર છે.

હાલ સ્થાનિક શાળામાં માત્ર 9 બાળકો ભણી રહ્યાં છે. ડેપ્યૂટી મેયર અર્નેસ્ટો અગસ્તીએ કહ્યું કે,‘અમે ઈચ્છીએ છીએ કે શાળામાં પૂરતા પ્રમાણમાં બાળકો ભણે અને શાળા બંધ ના કરવી પડે. અમને જાહેરાત અંગે સંપૂર્ણ સ્પેનમાંથી અરજીઓ મળવાની આશા હતી. પરંતુ અમને લેટિન અમેરિકા, ક્રોએશિયા અને રોમાનિયાથી પણ મેસેજ મળી રહ્યાં છે. 3 હજારથી વધુ લોકો અરજી કરી ચૂક્યા છે.’

આ જ પ્રકારની જાહેરાત વર્ષના પ્રારંભે ઈટાલીના સિસિલી શહેર કાસ્ટિગ્લિઓન ડિ સિસિલિયામાં પણ આપવામા આવી હતી.

જ્યાં એક યોજના હેઠળ ખાલી ઘર 1-1 યુરોમાં આપવામા આવી રહ્યાં હતા.

You cannot copy content of this page