Only Gujarat

International

અફઘાની મહિલાએ જણાવી ધ્રુજાવી દેતી આવીતી, તાલિબાનોએ આચર્યુ ધૃણાસ્પદ કૃત્ય

નવી દિલ્હીઃ તાલિબાનોએ અફઘાનિસ્તા પર કબજો જમાવી લીધો છે. અફઘાનિસ્તાનની મહિલા આ વાતથી જ થરથર કાંપે છે. તાલિબાનોને મહિલાઓ સહેજ પણ પસંદ નથી અને તેઓ તેમની સાથે ઢોર કરતાં પણ ખરાબ વર્તન કરે છે. હાલમાં જ ભારતમાં રહેતી અફઘાની મહિલાએ પોતાની સાથે થયેલી ક્રૂરતાની વાત કરી હતી. આ વાત સાંભળ્યા બાદ કઠોર મનના વ્યક્તિની આંખમાં પણ પાણી વહેવવા લાગે તે નક્કી છે.

હોસ્પિટલમાં આંખો ખોલી, ચારેકોર અંધારું હતુંઃ 33 વર્ષીય ખટેરાએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનના ગઝની પ્રાંતમાં તે રહેતી હતી. તે પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હતી. નવેમ્બર, 2020માં નોકરી જતા સમયે બાઇક પર ત્રણ માણસો આવ્યા હતા અને તેની પર ગોળીબાર કર્યો હતો. તે નીચે ઢળી પડી હતી અને તે ત્રણ લોકોએ તેની આંખો કાઢી લીધી હતી. ખટેરાએ આગળ કહ્યું હતું કે હોસ્પિટલમાં જ્યારે તેણે ડોક્ટર્સને પૂછ્યું કે તેને કેમ કંઈ દેખાતું નથી. તો તેને કહેવામાં આવ્યું હતું કે તેની આંખ પર પટ્ટી મારેલી છે અને તેથી જ તેને દેખાતું નથી. જોકે, તેને ખ્યાલ આવી ગયો હતો કે તેની આંખો કાઢી લેવામાં આવી છે.

ખટેરા તથા સ્થાનિક તંત્રે તાલિબાન પર આરોપો મૂક્યા હતા. જોકે, તાલિબાને આ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું હતું કે ખટેરાના પિતાને દીકરી નોકરી કરે તે વાત સહેજ પણ પસંદ નહોતી અને તેથી જ આ હુમલો તેના પિતાએ કરાવ્યો હતો. ખટેરાએ જ્યારે નોકરી પર જતી હતી ત્યારે તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. ખટેરાએ દાવો કર્યો છે કે તેના પિતાએ જ ત્રણ તાલિબાનો સાથે ડીલ કરી હતી. તેમને મહિલાઓ ઘરની બહાર નીકળે તે વાત સહેજ પણ પસંદ નથી.

ખટેરાએ માત્ર પોતાની આંખો નથી ગુમાવી, પરંતુ પોતાનું સપનું તૂટતા જોયું છે. તે કંઈક અલગ કરવા માગતી, પોતાની સ્વતંત્ર કરિયર બનાવવાની ઈચ્છા હતા. આથી જ તેણે ગઝનીની ક્રાઇમ બ્રાંચમાં પોલીસ અધિકારી તરીકે જોડાઈ હતી. તે એક વર્ષ સુધી પોલીસમાં સેવા આપવા માગતી, પરંતુ આ જ દરમિયાન તેની સાથે આ દુર્ઘટના ઘટી હતી. તે પોતાની પીડાને જીવનભર ભૂલી શકશે નહીં. તે માત્ર ત્રણ જ મહિના નોકરી કરી શકી. ખટેરા માત્ર પોતાનું સિંગલ નામનો ઉપયોગ કરતી હતી. તે નવા ટ્રેન્ડ સાથએ જોડાવવા માગતી હતી. માનવાધિકાર માટે કંઈક કરવા માગતી હતી. તાલિબાનો મહિલાઓ કામ કરે અને તેમાંય ખાસ કરીના પબ્લિક સર્વિસમાં કામ કરે તે વાત સહેજ પણ પસંદ નથી. ખટેરા પોલીસ અધિકારી હતી અને આ વાત તાલિબાનોને કોઈ કાળે મંજૂર નહોતી.

અફઘાનિસ્તાનમાં ફરી એકવાર તાલિબાની રાજ શરૂ થવાનું છે અને તેથી જ ત્યાંની મહિલાઓની હાલત કફોડી છે. ખટેરાએ કહ્યું હતું કે નાનપણથી તે ઘરની બહાર નીકળવા માગતી હતી. થોડાં વર્ષો બાદ તેણે પિતાને મનાવવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે માન્યા નહીં. ત્યારબાદ તેના નિકાહ કરાવી દેવામાં આવ્યા હતા. તેના પતિએ તેને ઘણો જ સપોર્ટ કર્યો હતો. જોકે, પિતાએ સતત વિરોધ કર્યો હતો. આ વિરોધ ક્યારે બદલામાં પરિવર્તિત થઈ ગયો તે કોઈને ખ્યાલ ના રહ્યું.

ખટેરાએ કહ્યું હતું કે ઘણીવાર જ્યારે તે ડ્યૂટી પર જતી ત્યારે તેને જોયું કે તેના પિતા તેનો પીછો કરે છે. તે સમયે તેણે આ વાતને ગંભીરતાથી ના લીધો. જોકે, હવે તેને ખ્યાલ આવ્યો કે તેના પિતાએ તાલિબાનો સાથે મળીને તેની પર હુમલો કરાવ્યો હતો. ખટેરાના મતે, તેની પાસે આઇડી કાર્ડ માગવામાં આવ્યું હતું અને તેણે આઇડી કાર્ડ આપ્યું અને પછી તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. એક પછી એક એમ 8 ગોળીઓ મારવામાં આવી હતી. આટલું જ નહીં, તેને ચાકુથી પણ માર મારવામાં આવ્યો હતો. જ્યારે તેની સાથે આ ઘાતકી કૃત્ય કરવામાં આવ્યું ત્યારે તે 7 મહિનાની પ્રેગ્નન્ટ હતી. ગોળીઓ અને ચાકુ માર્યા બાદ પણ તાલિબાનો ધરાયા નહોતા. તેમણે ચાકુથી ખટેરાની બંને આંખો કાઢી લીધી હતી. ભગવાનના આશીર્વાદને કારણે તેની દીકરી બચી ગઈ છે.

હુમલો થયા બાદ ખટેરા પતિ સાથે નવેમ્બર, 2020માં દિલ્હીમાં સારવાર માટે આવી હતી. જાન્યુઆરી, 2021માં તેણે ભારતમાં જ દીકરીને જન્મ આપ્યો હતો. હાલની પરિસ્થિતિ જોઈને તે ઘણી જ દુઃખી છે. તેના પાંચ બાળકો અફઘાનિસ્તાનમાં છે. તે ફોન પર સતત પરિવાર સાથે વાત કરે છે. જોકે, તાલિબાનોએ તેના પરિવારને પૂછપરછ કરી હતી. ખટેરા માને છે કે જો એકવાર તે અફઘાનિસ્તાન ગઈ તો તાલિબાનો તેને જીવથી મારી નાખશે.

ખટેરાએ કહ્યું હતું કે તાલિબાનો મહિલાને માત્ર એક માંસનો લોચો સમજે છે. તેઓ એમ જ માને છે કે મહિલાને સજા જ આપવાની હોય છે. ઘણીવાર મહિલાના શરીરને કૂતરા સામે ધરી દેવામાં આવે છે. તે નસીબદાર હતી કે બચી ગઈ. જોકે, અત્યારે અફઘાનિસ્તાનમાં બાળકો, મહિલાઓની સ્થિતિ કેવી હશે તે વિચારતા પણ તેને કંપારી છૂટી જાય છે.

ઉલ્લેખનીય છે કે ખટેરાના શરીરના ઉપરના ભાગમાં આઠ ગોળીઓ વાગી હતી અને શરીરના અનેક ભાગમાં ચાકુ મારવામાં આવ્યું હતું. તાલિબાનો મહિલાને ડોક્ટર પાસે સારવાર કરાવવા પણ જવા દેતા નથી. તાલિબાનો ઈચ્છે છે કે મહિલા ઘરમાં જ રહે. તેઓ ભણે નહીં અને કામ કરે નહીં. તેઓ મહિલાને માત્ર બાળકો પેદા કરનારું મશીન સમજે છે.

 

You cannot copy content of this page