ખુદને મહેશ ભટ્ટના ભાણિયાની પત્ની ગણાવતી અભિનેત્રી લવીનાએ લગાવ્યો ગંભીર આરોપ

મુંબઈઃ એક્ટ્રસ લવીના લોધે એક વીડિયો પોસ્ટ કરી ફિલ્મમેકર મહેશ ભટ્ટ પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘મને મહેશ ભટ્ટ અને તેમના પરિવાર દ્વારા ધમકાવવામાં આવી રહ્યો છે. પ્લીઝ સપોર્ટ કરો.’ લવીનાના જણાવ્યા મુજબ, તેમના લગ્ન મહેશ ભટ્ટના ભાણિયા સુમિત સભરવાલ સાથે થયાં હતાં, પણ લવીનાને ખબર પડી કે સુમિત ડ્રગ્સ અને છોકરીઓ સપ્લાઇ કરે છે જેને લીધે લવીનાએ તેની સાથે છૂટાછેડા માગી લીધા હતાં. આ પછી મહેશ ભટ્ટ તેની પાછળ પડી ગયો છે. તે તેમના ઘરે ઘૂસવા અને તેને ત્યાંથી કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

‘મહેશ ભટ્ટને દરેક વાતની જાણ છે’
વીડિયોમાં લવીનાએ કહ્યું કે, ‘નમસ્તે, મારું નામ લવીના લોઘ છે. હું આ વીડિયો મારા અને પરિવારની સેફ્ટી માટે બનાવી રહી છું. મારા લગ્ન મહેશ ભટ્ટના ભાણિયા સુમિત સભરવાલ સાથે થયાં હતાં. મેં તેની સામે ડિવોર્સ કેસ ફાઇલ કર્યો છે. કેમ કે, મને ખબર પડી ગઈ છે કે, તે એક્ટર્સને ડ્રગ્સ સપ્લાઇ કરે છે, જેવા કે સપના પબ્બી, અમાયરા દસ્તૂર સહિત.’

‘તેમના ફોનમાં અલગ-અલગ પ્રકારની છોકરીઓના ફોટો હોય છે, જે તે ડિરેક્ટર્સને દેખાડે છે. તે છોકરીઓ પણ સપ્લાઇ કરે છે અને આ દરેક વાતની જાણ મહેશ ભટ્ટને પણ છે.’

‘મહેશ ભટ્ટ ઇન્ડસ્ટ્રીનો સૌથી મોટો ડૉન છે’
લવીનાએ વધુમાં કહ્યું કે, ‘મહેશ ભટ્ટ સૌથી મોટો ડૉન છે ઇન્ડસ્ટ્રીનો. આખી સિસ્ટમ તે જ ઑપરેટ કરે છે. જો તમે તેના મુજબ નથી કરતાં તો તે તમારું જીવવાનું હરામ કરી દે છે. મહેશ ભટ્ટે ઘણાં લોકોની જિંદગી બગાડી છે. કેટલાય એક્ટર, ડિરેક્ટર્સ, કમ્પોઝરને કામમાંથી કાઢી મૂક્યા છે.’

‘તે એક ફોન કરે છે અને પાછળથી લોકોનું કામ જતું રહે છે. અને લોકોને ખબર પણ પડતી નથી. તેમને ઘણી જિંદગી બગાડી છે. જ્યારે મેં તેમના વિરુદ્ધ કેસ ફાઇલ કર્યો ત્યારથી તે મારી પાછળ હાથ ધોઈને પડી ગયાં છે. અલગ-અલગ રીતે તે મારા ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ઘણો પ્રયત્ન કર્યો તેમણે મને ઘરમાંથી કાઢવાનો.’

‘પોલીસ સ્ટેશનમાં એનસી પણ નથી લખવામાં આવતી’
લવીનાએ વધુમાં કહ્યું, ‘જ્યારે હું પોલીસ સ્ટેશનમાં એનસી લખાવવા માટે જવ છું ત્યારે કોઈ મારી એનસી પણ નથી લેતું. ઘણી મુશ્કેલીએ એનસી લખાવી દવ તો કોઈ એક્શન પણ લેતાં નથી. જો કાલે કોઈ દુર્ઘટના મારી સાથે અથવા મારા પરિવાર સાથે થાય છે તો તેના માટે મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, સુમિત સભરવાલ, સાહિલ સહગલ અને કુમકુમ સહગલ જવાબદાર હશે.’

‘લોકોને જાણ તો થાય કે બંધ દરવાજા પાછળ તેમણે કેટલા લોકોની જિંદગી બગાડી છે અને તે શું-શું કરી શકે છે. કેમ કે મહેશ ભટ્ટ ખૂબ જ પાવરફુલ અને પ્રભાવશાળી છે. થેન્ક યુ’

મહેશ ભટ્ટે આ આરોપોને અપમાનજનક ગણાવ્યાં
મહેશ ભટ્ટ અને મુકેશ ભટ્ટના પ્રોડક્શન હાઉસ વિશેષ ફિલ્મ્સના લીગલ કાઉન્સીલર નાયક, નાયક એન્ડ કંપની તરફથી લવીનાના આરોપોનું ખંડન કરવામાં આવ્યું છે. તેમણે ઓફિશિયલી સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, ‘લવીના લોધ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો સંદર્ભમાં. અમે, અમારા ક્લાઇન્ટ મહેશ ભટ્ટ તરફથી આરોપોનું ખંડન કરીએ છીએ. આ રીતના આરોપ ન માત્ર ખોટા અને અપમાનજનક છે, પણ કાયદામાં ગંભીર પરિણામવાળા છે. અમારા ક્લાઇન્ટ કાયદાકિય સલાહ લઈને યોગ્ય કાર્યવાહી કરશે.’