Only Gujarat

Gujarat

વચ્છરાજ દાદાની આરતી સમયે શાનથી સલામી આપતો ઘોડો, લોકો દૂર દૂર દર્શન કરવા આવતા

ભાવિકો માટે શોકના સમાચાર છે. ઝીંઝુવાડા રણની મધ્યે આવેલી વાછડાદાદા (વચ્છરાજ દાદા)ની ઐતિહાસિક જગ્યાનો ઘોડો દેવલોક પામ્યો છે. ઘોડાના મોત બાદ દાદાની જગ્યાએ જ તેને સમાધિ આપી આન-બાન-શાનથી વિદાય આપવામાં આવી હતી. આ ઘોડો મોસાળ પક્ષ લોલાડા ગામના ગઢવી તરફથી અપાયો હતો, જે રોજ દાદાની આરતી સમયે શાનથી સલામી આપતો હતો.

ધોડાની સમાધિ વખતે હાજર ભક્તો ભાવુક થઈને રડી પડ્યા હતા. ઘોડાની પૂજા કરી આરતી ઉતારી તેને સમાધિ આપવામાં આવી હતી. હાજર લોકોએ પુષ્પવર્ષા પણ કરી હતી. આમ વાછડાદાદાની જગ્યાના પૂજ્ય ઘોડાનું મોત થતાં ભાવિકોમાં ગમગીની પ્રસરી જવા પામી છે.

નોંધનીય છે કે ગાયોની રક્ષા કાજે પોતાની જાતનું બલિદાન આપનાર વિરપુરૂષની વિરતાની વાતો કહેતી રણની મધ્યમાં આવેલા વચ્છરાજ દાદાની જગ્યામાં અફાટ રણની મધ્યમાં આવેલી ગૌશાળામાં 5500 જેટલી ગાયો કોઇ પણ જાતના બંધન વિના ફરે છે.

કચ્છના નાના રણમાં નાના-મોટા થઇને કુલ 74 બેટ આવેલા છે. પરંતુ આ બધા બેટમાંથી સમી તાલુકાના સીમાડે આવેલા વાછડ‍ા બેટની વાત જ જુદી છે. સામાન્ય રીતે રણની બંજર જમીનમાં પીપળો, લીમડો કે નિલગીરીના ઝાડ રણમાં થાય જ નહીં. પરંતુ અહીં માત્ર આ એક જ જગ્યાએ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વધુમાં વેરાન રણમાં બધે જ ખારૂ પાણી છે ત્યારે આ વચ્છરાજદાદાની ઐતિહાસિક જગ્યાએ મીઠા પાણીની અવિરત સરવાણી વહે છે.

કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડે ગામડે ગાયોની રક્ષા કાજે જેમણે લગ્નની ચોરીએ બેઠા બાદ પણ પોતાની જાતનું બલિદાન આપ્યુ હતુ એ વિરપુરૂષ વચ્છરાજ સોલંકીની યાદમાં રણની મધ્યમાં આવેલી વાછડા દાદાની જગ્યા સૈકાઓથી હિન્દુ-મુસ્લિમ આસ્થાળુઓ માટે શ્રધ્ધા અને ભક્તિના સ્થાનક તરીકે લોક હૈયામાં અનેરૂ સ્થાન અને માન ધરાવે છે.

આજેય અફાટ રણની મધ્યમાં આવેલી ગૌશાળાની 5500 જેટલી ગાયો અને વાછડા ગાળીયો કે કોઇ પણ જાતના બંધન વિના મોજથી ફરે છે.

વેરાન રણની આ ઐતિહાસિક જગ્યામાં ચૈત્ર માસની એકમથી પૂનમ સુધીના મેળામાં તો કુલ એક લાખથી વધુ લોકોનો માનવ મહેરામણ ઉમટે છે.

વાછડાદાદાની ઐતિહાસિક જગ્યાના ઘોડાના મોત બાદ દાદાની જગ્યાએ જ સમાધિ આપી આન-બાન-શાનથી વિદાય આપવામાં આવી હતી.

You cannot copy content of this page