મહા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે 1 ફેબ્રુઆરી શનિવારના રોજ વ્રત રાખવામાં આવશે. આ વ્રતનું નામ તિલકુંદ ચતુર્થી છે. ભગવાન ગણેશને ચતુર્થી તિથિનો સ્વામી માનવામાં આવે છે અને શનિવારનો કારક ગ્રહ શનિ છે, તેથી આ દિવસે ભગવાન ગણેશની સાથે શનિદેવની પણ વિશેષ પૂજા કરવી જોઈએ.
ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્મા અનુસાર, જ્યોતિષમાં શનિને ન્યાયાધીશ માનવામાં આવે છે, આ ગ્રહ મકર અને કુંભનો સ્વામી છે. શનિ હાલમાં કુંભ રાશિમાં છે અને તેના કારણે મકર, કુંભ અને મીન રાશિમાં સાડેસાતી ચાલી રહી છે. વૃશ્ચિક અને કર્ક રાશિ પર શનિનો પ્રભાવ ચાલી રહ્યો છે. જે લોકોની કુંડળીમાં શનિની સ્થિતિ સારી નથી તે લોકોએ શનિવાર અને ચતુર્થીના દિવસે શનિદેવને તેલનો અભિષેક કરવો જોઈએ. શનિદેવ માટે કાળા તલનું દાન કરો. શનિદેવ પર તલમાંથી બનેલી વાનગીઓ અર્પણ કરો.