Only Gujarat

National TOP STORIES

મળો, ભારતના આ બહાદુર IPSને, કારનામા સાંભળીને છાતી થશે 56ની, માથું થશે ગર્વથી ઊંચું

નવી દિલ્હીઃ દેશની કમાન અધિકારીઓના હાથમાં હોય છે. તંત્ર યોજના બનાવે છે તેની પર તેઓ અમલ કરાવે છે. આઈએએસ અને આઈપીએસ અધિકારી આજે પણ રાજ્ય અને કેન્દ્રના તંત્રનો આધારસ્તંભ છે. દેશ 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવવાનો છે ત્યારે અમે 10 આઈપીએસ અધિકારીઓની કહાણી રજૂ કરી રહ્યાં છે જે પોતાની કડકાઈ અને આદર્શોને કારણે આજે પણ જાણીતા છે.

કિરણ બેદી- ભારતની પ્રથમ મહિલા આઈપીએસ કિરણ બેદી છે. તેમનો જન્મ પંજાબના અમૃતસરમાં 9 જૂન 1949 ના રોજ થયો હતો. તેમને એક કડક અધિકારી અને સુપર કોપ તરીકે ઓળખવામા આવે છે. તેઓ દિલ્હી ટ્રાફિક પોલીસના વડા હતા ત્યારે તેમણે ક્રેન વડે વડાપ્રધાનની કાર પણ જપ્ત કરાવી હતી.

કે.વિજય કુમાર- તેઓ 1975 બેચના આઈપીએસ અધિકારી હતી. વર્ષ 2004માં ચંદન તસ્કર વીરપ્પનને ઘેરીને તેને ઠાર મારનારી ટીમમાં વિજય કુમાર પણ સામેલ હતા. વીરપ્પન પર જાણીતી હસ્તીઓની હત્યા અને અપહરણના આરોપ પણ હતા. 1987માં વીરપ્પને એક ફોરેસ્ટ અધિકારીની પણ હત્યા કરી હતી.

મનુ મહારાજઃ 2005 બેચના આઈપીએસ અધિકારી મનુ મહારાજ આક્રમક પોલીસ અધિકારી મનાય છે. તેમણે પટણાના એસએસપી સહિતના પદ સંભાળ્યા છે. મનુ મહારાજે વિવિધ જીલ્લામાં ઘણી કાર્યવાહીમાં જાતે જ લીડ કર્યું છે. તેઓ એકે-47 સાથે લીડ કરતા સમયની તસવીર વાઈરલ પણ થઈ હતી. ગયા જીલ્લામાં તૈનાત હતા ત્યારે નક્સલવાદીઓ વિરુદ્ધ પણ તેમણે કાર્યવાહી કરી હતી. તેઓ મોડી રાતે માર્ગો પર નીકળી પડતા હતા.

નવનીત સીકેરા- 1996 બેચના આઈપીએસ અધિકારી અને યુપી પોલીસના આઈજી નવનીત સિકેરા ઘણીવાર ચર્ચામાં રહે છે. ઉત્તર પ્રદેશમાં કાયદારાજને મજબૂત કરવા માટે તેમણે કરેલા કામને લોકો આજે પણ યાદ કરે છે. નવનીત સિકેરાની ગણતરી દેશના દબંગ આઈપીએસ અધિકારીઓમાં થાય છે.

રાજેન્દ્ર ચતુર્વેદી- એસપી રાજેન્દ્ર ચતુર્વેદી પોતાના કામ માટે જાણીતા હતા. તેમણે ડાકૂ ફૂલન દેવીને સરન્ડર કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ફૂલન દેવી અગાઉ તેમણે મલખાન સિંહને પણ સરન્ડર કરાવ્યું હતું. એવું કહેવાય છે કે, ફૂલન દેવીને સરન્ડર કરાવવા તેમણે જામીન પેટે તેમણે પોતાના દીકરાને સોંપવાની વાત કહી હતી.

શિવદીપ વામન લાંડે- મહારાષ્ટ્રના અકોલાના પરસા ગામમાં ખેડૂત પરિવારમાં જન્મેલા લાંડે 2006 બેચના આઈપીએસ અધિકારી છે. બિહાર કેડરના અધિકારી લાંડેની પ્રથમ પોસ્ટિંગ મુંગેરના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં થઈ હતી. તેઓ પોતાની કાર્યશૈલીને કારણે જાણીતા છે. તેમની ઘણીવાર ટ્રાન્સફર થઈ છે. તે જેટલી કડકાઈ દાખવે છે તેટલી નરમાઈ પણ ધરાવે છે. તેઓ પોતાના પગારનો અમુક ભાગ દાનમાં આપે છે.

સોનિયા નારંગ- 2002 બેચની કર્ણાટકના જાણીતા મહિલા આઈપીએસ છે. દેવનગિરિમાં એસપી રહેતા સોનિયાએ એક દિગ્ગજ નેતાને લાફો ઝીંકી દીધો હતો. એવું મનાય છે કે, તેઓ એક કેસમાં મુખ્યમંત્રી સામે જઈ પડ્યા હતા. જ્યારે આઈપીએસ સોનિયાનું નામ 16 કરોડના ખાણ કૌભાંડમાં આવ્યું તો રાજકીય અને તંત્રમાં હડકંપ મચી ગયો હતો. જે પછી સોનિયાએ મુખ્યમંત્રીના આરોપો વિરુદ્ધ ખુલીનો મોર્ચો નીકાળ્યો અને જાહેરમાં જ તેનો વિરોધ કર્યો હતો.

સુપ્રિયા સાહૂ- 1991 બેચની આઈએએસ અધિકારી. નીલગિરિ જીલ્લામાં કલેક્ટર તરીકે સુપ્રિયાએ પ્લાસ્ટિક વિરોધી કેમ્પેન ચલાવ્યું હતું. તે આઈએમબી તે સંયુક્ત સચિવ તરીકે કામ કરી ચૂકી છે.

આશા ગોપાલન- તેઓ મધ્ય પ્રદેશના કડક આઈપીએસ અધિકારી મનાય છે. 1987માં આશા ગોપાલન જબલપુરના એસપી હતા ત્યારે ગુનેગાર અને ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ એવી કાર્યવાહી કરી હતી કે 7 મહિનામાં તેમનું ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું. તેમના ટ્રાન્સફરની જાણ થતા લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા.

સંજુક્તા પરાશર- તેમને આયરન લેડી ઓફ આસામ તરીકે ઓળખવામા આવે છે, પરાશર 2006 બેચના આઈપીએસ અધિકારી છે. તેમણે ઉગ્રવાદીઓ વિરુદ્ધના ઓપરેશનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે 15 મહિનામાં 16 આતંકીઓને ઠાર માર્યા હતા અને 64 થી વધુની ધરપકડ કરી હતી. બોડો અને બાંગ્લાદેશીઓ વચ્ચેની હિંસા પર કાબુ મેળવવા તેમને મોકલવામા આવ્યા હતા.

You cannot copy content of this page